પૃષ્ઠ:Sorathi Baharvatiya-2.pdf/૧૧૯

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૦૦
સોરઠી બહારવટીયા : ૨
 

બે વારસો રહેતા હતા. રાજ તો ગાયકવાડ સરકારને હાથ ગયું છે. દ્વારકામાં પલટન પડી છે. ગામડે ગામડે પલટનનાં થાણાં થપાણાં છે. વાઘેર રાજાઓને ગાયકવાડે જીવાઈ બાંધી આપી છે. પણ હમણાં હમણાં તો અમરાપુરવાળા ટીલાતોને જીવાઈ મળવી યે બંધ પડી છે.

ગાયકવાડનો સૂબો બાપુ સખારામ મદછક બનીને દ્વારિકાના મહેલમાં બોલે છે કે

“કાય ! વાઘેરાત મંજે કાય આહેત ! [શું છે ! વાઘેર બાપડા શી વિસાતમાં છે ?]”

એ ટીલાત ખોરડાની વાઘેરણો આજ પાદરેથી પાણીનાં બેડાં ભરીને ઓસરીએ હેલ્યો ઉતારે છે, પણ એનાં મોઢાંની લાલી આજ નોખી ભાતની બની ગઈ છે. મોઢાં ઉપર ત્રાંબાં ધગ્યાં દેખાય છે.

એાસરીમાં જ પોતાના ધણીઓ બેઠા છે. પણ મુખડાની લાલપનું કોઈ કારણ પણ બાઈઓને નથી પૂછતું. પરસેવે ટપકતાં લાલ નેત્રોવાળી વાઘેરણો છંછેડાઈને બોલી :

“અસાંજા થેપાડાં આંઈ પર્યો ! અને હણે આંજી પાઘડી અસાંકે ડ્યો !” [અમારી થેપાડાં (ધાધરા) તમે પહેરો. અને હવે તમારી પાઘડી અમને આપો.]

બેય ભાઈઓનાં મ્હોં ઉંચા થયાં. જોધાએ ધીરે અવાજે પૂછ્યું કે “આજે શી નવાજૂની બની છે વળી ?”

“નવું શું થાય ? રોજે રોજ થઈ રહ્યું છે ને ! રજપૂતોને પાદર મોરલા મરે, ને રજપૂતાણીયુંનાં બેડાં કાંકરીએ વીંધાય: દાઢી મૂછના ધણીયું બેઠા બેઠા ઈ બધું સાંખી લ્યે !”

“કોણે મોરલા માર્યા ? કોણે કાંકરીઓ ફેંકી ?”

“બીજા કોણે ? દ્વારકાના પલટન વાળાઓએ.”

જોધાએ શિર નીચે ઢાળ્યું. પણ બાપુને અને એના દીકરા મુળુને તો ઝનૂન ચડવા લાગ્યું. ધીરી ધીરી ધમણની ફુંકે ઓચીંતો