પૃષ્ઠ:Sorathi Baharvatiya-2.pdf/૧૨૨

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
જોધો માણેક : મૂળુ માણેક
૧૦૩
 


“સહુ આવી ગયા ?” એમાંથી મોટેરા દેખાતા એક વાઘેરે ચારે બાજુ પોતાની ચિત્તા સરખી ચકચકતી આંખ ફેરવી.

“હા, રવા માણેક : આવવાના હતા એ સંધા આવી ગયા.” બીજાએ જવાબ દીધો.

“સાંઢીઓ સંધેય ગામે ફેરવ્યો'તો ને ?”

“તમામ ગામે. નેહડું યે બાકી નહિ.”

“અમરાપરથી કોણ કોણ હાજર છે ?”

“હું જોધો, બાપુ, ને મુળુ માણેક : ત્રણ જણા.” ગરવા અને ઓછાબોલા છતાં મીઠોબોલા મુખી જોધા માણેકે જવાબ વાળ્યો.

“બસ, માપાણી ટોળામાંથી ત્રણ જ જણ ? ઠીક, શુમણીયામાંથી ?”

“હું ખીમો, ઘડેચી વાળો ”

“ભલા. જોધાણી કોઈ ?”

“હું ભીમો. મેવાસેથી.”

“ઠાવકી વાત, કુંભાણી કોણ છે ?”

“હું હબુ. મકનપરથી.”

“બીજા કોણ કોણ માડુ છે ?”

“કરસન જસાણી ને ધુનો જસાણી મુળવા૫રથી : દેવા છબાણી ને રાયદે ભીમાણી શામળાસરથી : ધંધો ને સાજો પીંડારીઆ; અને વશીવાળામાંથી તું રવો, પાળો, રણમલ અને દેવો; એટલું થારાણી ખોરડું. "

મ્હોં મલકાવીને રવો બોલ્યો, “ત્યારે તો અમારા માડુ સંધાયથી વધુ એમ છે જોધા ? માથાં વાઢી દેવાં, એ છોકરાંની રમતું નથી, વસીવાળાને ઓખો જાય તેની ઉંડી દાઝ છે ભા !"