પૃષ્ઠ:Sorathi Baharvatiya-2.pdf/૧૨૫

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૦૬
સોરઠી બહારવટીયા : ૨
 


“અને જોધા ! તું ડાહ્યો ડમરો, તું વળી સરકારની સાથે નેકી જાળવીને શી કમાણી કાઢી આવ્યો ? કપિલા છઠ્ઠની જાત્રામાં અમે તો જાત્રાળુ પાસેથી કરોડુંનો માલ કબજે કરત. પણ તું સરકારનો હેતનો કટકો થાવા ગયો. તે જાત્રાળુની ચોકી કરીને ગાયકવાડને ચાર લાખ કોરીનો કર પેદા કરાવ્યો, તેનો સિરપાવ તને શું મળ્યો ? તું ચોર હો, તેમ તારા જામીન લેવાણા. તે દિ' તને કચેરીમાં બોલાવી ભુંડે હાલે કેદ કરવાની પણ પેરવી થઈ'તી અને હવે તારી જીવાઈ પણ રોકી રાખી. લે, લેતો જા ગાયકવાડી પાઘડી ! બોલ, રણછોડરાયજીના કસમ ખાઈને કહે, તેં રાજકોટ છાવણીમાં પણ ખબર કહેવરાવ્યા છે કે નહિ ?”

“હા ભાઈ, પંદર દહાડાની મેતલ આપી હતી.”

“પંદર દિવસ થઈ ગયા ?”

"હા."

“બસ, ત્યારે બોલો હવે જે રણછોડ !”

“જે રણછોડ !” ટીલાવડ કાંપી ઉઠે તેવા વિકરાલ અવાજે પચીસ ગળાં લલકારી ઉઠ્યાં.

“જોધા ભા !” જોધાનો ભાઈ બાપુ માણેક બોલ્યો. “ હું હજી આજ જ મારી રોજીની ઉધરાણી કરીને બાપુ સખારામ પાસેથી હાલ્યો આવું છું. અને એણે મને શું જવાબ દીધો, ખબર છે ? મ્હોંમાંથી ગાળ કાઢી. ”

“ હેં, ગાળ કાઢી ? જબાન કાપી લેવી'તી ને ?”

“શું કરૂં ભા ! તારો ડર લાગ્યો, નીકર હું વાઘેરનો બચ્ચો, ઈ ચટણાની ગાળ કાંઈ ખમું ? એણે તો સામેથી કહેવરાવ્યું છે કે અમરાપરને પાદર અમારા બે મકરાણીનાં ખૂન કર્યાં છે, માટે હવે તૈયારીમાં રહેજો, અમરાપરને તોપે ઉડાવવા આવું છું. ”

“મકરાણીનાં ખૂન ? શા સારૂ ?"