પૃષ્ઠ:Sorathi Baharvatiya-2.pdf/૧૩૪

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
જોધો માણેક : મૂળુ માણેક
૧૧૫
 


“ક્યાંક ગયો હશે. તું તારે ખાઈ લે ભાઈ !”

“હું શી રીતે ખાઉં ? તારો દીકરો ન જડે ને મને અન્ન શે ભાવે ? આ દાવાનળ સળગે છે એમાં કોને ખબર છે, શું થયું હશે ?”

જોધો થાળી ઉપરથી ઉઠી ગયો. લધુભાની ગોતે ચડ્યો. પતો મળ્યો કે એને તો કિલ્લામાં પૂર્યો છે. જોધાએ કિલ્લાનું તાળું તોડ્યું. લધુભાને બેડીઓમાં ઝકડાએલો જોયો. એના પગ લોહીવાળા દીઠા. જોધાને જોતાં જ લધુભાએ જીભ ચલાવી.

જોધાએ એને વાર્યો: “એ લધુભા ! ગુડીજો ટીલો તું ડીનો હો ! તોજી જીભ વશ રાખ ભા ! હીન ટાણે તો વન વનજી લકડી આય ! [ગળીની કાળી ટીલી તું જ મને દઈશ ભાઈ ! તું તારી જીભ વશ રાખ. અત્યારે તે આંહી વન વનની લાકડી ભેગી થઈ છે.]”

જોધાને લાગ્યું કે આ ખાનદાન ભાટીઆનું કુટુંબ ક્યાંઈક કચરાઈ જશે : એને આંહીથી ખસેડી નાખું.

અમરાપરથી બે ત્રણ ગાડાં મગાવી કિલ્લા બહાર જસરાજ માણેકના પાળીઆ પાસે ઉભાં રખાવ્યાં. પાંત્રીસ માણસોને હાથમાં નાળીએરના ઉલ્કા ઉપડાવી, દિશાએ જવાના બ્હાનાથી કિલ્લા બહાર કઢાવ્યાં. અમરાપર પોતાને ઘેર પહોંચતાં કર્યા. ફક્ત બુઢ્ઢા રામજી દાદો જ દ્વારકામાં રહ્યા.

જોધાને ઘેરે ચાર પાંચ ભેંસો મળે છે. રામજીભાઈનાં છૈયાંછોકરાંને રોજ જોધાની વહુઓ દૂધપાક પૂરી કરીને જમાડવા લાગી છે.

[અને આ વાત કરનાર, રામજી શેઠનો ૭૪ વર્ષનો પૌત્ર રતનશી શેઠ જે અત્યારે બેટમાં હયાત છે, તે કહે છે કે “મને આજ પણ એ દૂધપાક પૂરી સાંભરે છે.”]

ઢાંચો:પડાતો અક્ષરથી એ કુટુંબ જુદું પડ્યું : રામજી શેઠનો નાનેરો ભાઈ જેરામ, લધુભાનો દીકરો રતનશી અને દાદી વગેરે બેટમાં ગયાં. બેટમાં તેઓનું ઘર હતું.