પૃષ્ઠ:Sorathi Baharvatiya-2.pdf/૧૪૧

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૨૨
સોરઠી બહારવટીયા : ૨
 


“આપણે ચોર લૂંટારા નથી. રાજા છીએ, આપણે મરાઠાની જેમ પરદેશથી પેટ અને પેટીયું ભરવા નથી આવ્યા. પણ આપણા બાપડાડાનું રાજ પાછું હાથ કરી, રજપૂતના ધરમ પાળવા આવ્યા છીએ, ”

“ સાચી વાત. ”

“ અને આ વસ્તી આપણાં બેટા બેટી છે, ”

“ કબૂલ. ”

“ આપણે માથે રણછોડરાય ધણી છે. "

“ ખમ્મા રણછોડ ! ”

“ ત્યારે રજપૂતના દીકરા બિરદ વગર રાજ કરે નહિ. સાંભળો આપણાં બિરદ:

પહેલું-વસ્તીના વાલની વાળી પણ ન લુંટવી.

બીજું–ઓરતોને બ્હેન દીકરી લેખવી.

ત્રીજું-જાત્રાળુને લૂંટવાં તો નહિ, પણ ચાલતા આવેલા ધારા પ્રમાણે કર વસુલ લઈને ઠેઠ રણના કાંઠા સુધી ચોકી પહેરામાં મેલી આવવાં.

“ બોલો ભાઈ, આ બિરદ ઉથાપે તેને ? ”

“ તેને તોપે ઉડાવવો. મુળુ બોલ્યો.

પછી જોધો વેપારીઓ તરફ ફરીને બોલ્યો.

“ કહો, ઈદરજી શેઠ, હીરા શેઠ, હવે તમે સવા મણની તળાઈમાં સૂજો. મારો સગો ભત્રીજો મુળુ પણ જો ક્યાંય કોઈને ટુંકારો કરે, તો વાવડ દેજો ! સજા કરીશ.”

“ ધન્ય છે બાપુ ! " મહાજનની છાતી ફાટવા લાગી.

“ ઉભા રહો. ધન્યવાદ પછી દેજો. તમારી જવાબદારી પણ સમજી લ્યો, તમારે અમને ખાવાનું તો આપવું જ પડશે. ઘર દીઠ ખાવાનું લેવાનો ઠરાવ કરીને જ તમારે ઉઠવાનું છે.