પૃષ્ઠ:Sorathi Baharvatiya-2.pdf/૧૪૨

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
જોધો માણેક : મૂળુ માણેક
૧૨૩
 

આ તો લડાઈ છે. પોલકી નથી માંડી. અને જાંગલાઓને તમે કેમ કર ભરતા'તા ?”

“કબૂલ છે બાપુ !" કહીને મહાજને ઠરાવ ઘડ્યો.

“જે રણછોડ ! જે રણછોડ !” એવા નાદ થયા ને ડાયરો વીંખાણો.

૧૦

{{પડતો અક્ષર}શં}}ખોદ્વાર બેટથી થોડેક છેટે આજ સવારથી મનવારો ગોઠવાતી જાય છે. ચાર મોટી મનવારો સમીયાણીની દીવાદાંડી પાસે આવીને ઉભી રહી અને ત્રણ નાની બોટો ખાડીમાં ચોકી દેવા લાગી. સાતેના ઉપર અંગ્રેજી વાવટા ઉડે છે. તોપોનાં ડાચાં સાતેના તૂતક ઉપરથી બેટની સામે ફાટી રહ્યાં છે.

ધીંગાણાના શોખીન વાઘેરો કિનારા ઉપર નાચતા કૂદતા બોલવા લાગ્યા કે

“આયા ! ચીંથડેંજે પગે વારા આયા ભા ! ચીંથડેંજે પગે વાર ન લાલ મું વારા માંકડા આયા ! હીં ચીંથડેંજે પગે વારા કુરો કરી સકે ? (ચીંથરાના પગવાળા ને લાલ મ્હોં વાળા માંકડા આવ્યા, એ બિચારા શું કરી શકશે ?)"

ચીંથરાના પગવાળા એટલે મોજાંવાળા : વાઘેરોને મન આ મનવારો ને સોલ્જરો ચીથરાં જેટલાં જ વિસાતમાં હતાં. તાળીઓ પાડીને વાઘેરોએ ગોલંદાજને હાકલ કરીઃ

“હણેં વેરસી ! ખણો ઉન નડી તોપકે ! હકડો ભડાકો, ને ચીંથડેવારાજા ભુક્કા !”

બેટને આઘે આઘે છેડે બરાબર મોટા દરિયાને કાંઠે હાજી કરમાણીશા પીરની મોટી દરગાહ છે. હાજી કરમાણીશા