પૃષ્ઠ:Sorathi Baharvatiya-2.pdf/૧૪૩

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧ર૪
સોરઠી બહારવટીયા : ૨
 

ઓલીયો ઠેઠ ખંભાતથી, એક શિલાની નાવડી બનાવી, ધોકા ઉપર કફનીનો શઢ ચડાવી, આખો દરિયો તરતા તરતા બેટને આરે ઉતરી આવ્યા કહેવાય છે, એ જગ્યાની પાસે વાઘેર ગોલંદાજ વેરસીએ પોતાની નાની તોપમાં સીસાનો ભુક્કો, લોઢાના ચૂરા અને ગોળા વગેરે ખેરીચો ઠાંસી ઠાંસીને ભર્યો. મનવારોની સામે માંડીને તોપ દાગી, પણ ગોળા મનવારને આંબી જ ન શક્યા.

હવે મનવારોએ મારો ચલાવ્યો. મણ મણના ગોળાઓએ આવીને વાઘેરોની તોપના ભુક્કા બોલાવ્યા. કિનારો ખરેડી પડ્યો.

નાદાન વાઘેરો અણસમજુ છોકરાંની કાલી વાણી કાઢી કહેવા લાગ્યા :

“નાર તો ભા ! પાણ તો જાણ્યું જે હીતરી હીતરી નંડી ગોરી વીંજતો. પણ હે તો હેડા હેડ વીજેતો. હેડજો કરાર તો પાંજે ન વા ! હણે ભા ! ભજો ! [આપણે તો જાણ્યું કે આવડી આવડી નાનકડી ગોળીએ છોડશે. આ તો આવડા આવડા મોટા ગોળા ફેંકે છે. આવડા ગોળાનો તો આપણે કરાર નહોતો, હવે તો ભાઈ, ભાગો !]

કરમાણીશા પીરની દરગાહ ઉપરથી વાઘેરો ભાગ્યા. મંદિરોના કિલ્લામાં જઈને ભરાણા, અને આ બાજુથી દ્વારકાના દરિયામાં પણ મનવારોએ ડોકાં કાઢ્યાં.

કિનારેથી જોધો ને મૂળુ, બે જણા આ વાઘેરોના કાળની નિશાનીઓ સામે ઠરેલી નજરે નિરખી રહ્યા છે. જોધો જરાક મોઢું મલકાવી મૂળુની સામે જુવે છે. મૂળુનું માથું ખસીઆણું પડીને નીચે ઢળે છે.

“મુરૂભા ! બચ્યા ! કાળને કેવાં નોતરાં દીધાં આપણે ?”

હડુડુડુ ! હડુડુડુ ! દરિયામાંથી આગબોટોએ તોપોના બહાર આદરી દીધા. ઉપરાઉપરી ગોળાનો મે વરસવા લાગ્યા. ગઢની રાંગ તોડી. એટલે વાઘેર યોદ્ધાઓએ દુકાનોનો ઓથ લીધો.