પૃષ્ઠ:Sorathi Baharvatiya-2.pdf/૧૪૫

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૨૬
સોરઠી બહારવટીયા : ૨
 

દેરાના ઘુમ્મટ પર વાગ્યો. એક થંભ ખરેડી પડ્યો. તે વખતે ત્રાસ પામીને દેવા છબાણીએ હાકલ દીધી:

“ભાઈઓ, હવે દુશ્મનોએ મરજાદ છાંડી છે. અને આપણાં પાપે આ દેવ ને આ દેરાંના ભુક્કા સમજજો. આપણાથી સગી આંખે હિંદવાણાના એ હાલ નહિ જોવાય. ભગવાનની મૂર્તિ તૂટે તે પહેલાં આપણો જ અંત ભલે આવી જાય, નીકળો બહાર. "

“પણ ક્યાં જાશું !”

“આરંભડે થઈને દ્વારકામાં”

ત્યાં તો જાસૂસ ખબર લઈ આવ્યો : “દેવાભા, જમીન માર્ગે આપણે હવે જઈ રહ્યા. નાકાં બાંધીને તોપખાનાં ચાલ્યા આવે છે. ભાળ્યા ભેળા જ ફુંકી દેશે.”

રઘુ શામજી નામનો એક ભાટીઓ : ભાંગ્યું તૂટ્યું અંગ્રેજી બોલી જાણે. એણે વાઘેરોને કહ્યું : “વષ્ટિ કરીએ. બીજો ઈલાજ નથી.”

કિનારે આવીને લોકોએ ધોળો વાવટો ચડાવ્યો. સુલેહની નિશાની સમજીને મનવારનો કપ્તાન કિનારે આવ્યો, જુવાન જુવાન વાઘેરો કિલ્લામાં રહ્યા. બુઢ્ઢા હતા તેને કિનારે લઈ ગયા.

કપ્તાન બોલ્યો કે “હથીઆર છોડી દ્યો.”

બુઢ્ઢા બોલ્યા “હથીઆર તો ન છડ્યું, હીં કિલ્લો સોંપી ડ્યું.”

દરમીઆન કિલ્લાના કોઠા પાસેની સાંકડી ગલ્લીમાં ખાડો કરી આડી રૂની મલીઓ ગોઠવી ચાર વાઘેરો તોપમાં ઢીંગલા ધરબીને છુપાઈ રહ્યા. વાઘેરો દગો રમ્યા. જોધો ત્યાં નહોતો.

પાંચસો સોલ્જરો ઉતર્યા. કાંઠે ચોકી મૂકીને પાંચસો જણા આગળ વધ્યા. વાઘેરોએ રૂની મલી આડથી તોપ દાગતાં પચીસ સાલ્જરોની લોથોનો ઢગલો થયો. અને તોપો દાગનારા બેય વાઘેરો તલવાર ખેંચીને ફોજમાં ઠેકી પડ્યા. આખી ફોજને પાછી હટાવી,