પૃષ્ઠ:Sorathi Baharvatiya-2.pdf/૧૪૬

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
જોધો માણેક : મૂળુ માણેક
૧૨૭
 

ગોળીએ વીંધાઈને બેય જણાએ છેલ્લા “જે રણછોડ !” નો નાદ કર્યો. શ્વાસ છૂટી ગયા.

માણેકે સીંચોડો માંડિયો, વાઘેર ભરડે વાઢ,
સોજીરની કરી શેરડી, ઓર્યા ભડ ઓનાડ.

[માણેકે સંગ્રામ રૂપી સીંચોડો માંડી દીધો. જાણે વાઘેરો વાઢ ભરડવા બેઠા. ગોરા સોલ્જરો રૂપી શેરડી કરી. મોટા શુરવીરોને પીસી નાખ્યા.]

ફોજે આથમણી રાંગ છોડીને દખણાદી બાજુ નીસરણી માંડી. સોલ્જરો સીડી ઉપર ચડી રહ્યા છે, ત્યાં “જે રણછોડ !”ના નાદ સંભળાયા. દેવા છબાણી પાંચ વાઘેરોને લઈ દોડ્યો. નીસરણી નીચે પટકી, ગોરીઆળી વાળો ગીગો તલવાર ખેંચી “જે રણછોડ !" કરી સોલ્જરો વચ્ચે ઠેકી પડ્યો. ઉંચેથી વાઘેરોએ એને પડકાર્યો કે “ગીગા ભા ! જેડા ગાડર ગૂડેતા હેડ સોજરા ગુડજા ! (જેવા ઘેટા કાપીએ તેવા સોલ્જરોને કાપજે !)” એ પડકારો સાંભળી એણે ૩૦ સોલ્જરોની કતલ કરી નાખી, અને ફોજને ફક્ત સાત મરદોએ કિનારા ઉપર પાછી કાઢી મેલી. ઘામાં વેતરાઈ ગયેલો બેટનો રક્ષપાલ દેવો છબાણી દ્વારકાધીશની ધજા સામે મીટ માંડીને થોડી વારમાં પ્રાણ છોડી ગયો.

“હવે આપણો સરદાર પડતે આપણે આંહી રહી શું કરશું ? અને હમણાં ફોજ બેવડી થઈને ઉમટશે.” એમ કહીને કિલ્લેદારો નાઠા, ગોળાનો વરસાદ ન સહેવાયાથી દ્વારકાવાળા નવસો જણા પણ નીકળી ગયા, કિલ્લાનાં બારણાં ખુલ્લાં મૂકાઈ ગયાં. રખેને હજુ પણ આગબોટો ગોળા છોડે, એવી બ્હીકે બેટના મહાજને કિનારે જઈ ફોજના કપ્તાન ડોનલ સાહેબને ખબર દીધા કે “વાઘેરો બોટ ખાલી કરીને નાસી છૂટ્યા છે, માટે હવે સુખેથી પધારો બેટમાં !”