પૃષ્ઠ:Sorathi Baharvatiya-2.pdf/૧૫૦

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
જોધો માણેક : મૂળુ માણેક
૧૩૧
 


“હં !” કહીને જોધા માણેકે નિસાસો મેલ્યો. બીજા બેઠેલા, તેઓના પંજા પટોપટ પોતાની તરવાર માથે ગયા. આ જોઈને જોધાજી બોલ્યા “ધીરા થાવ ભાઈ ! હજી વાત અધુરી છે, પછી કેમ થયું ભાઈ ?”

“મંદિરની દિવાલ તૂટી હતી તેમાંથી એક સોનાની પાટ જડી, ગોરાને લાગ્યું કે દિવાલોમાં રોગી પાટો જ ભરી હશે ! એટલે વળતે દિ' સોજીરોની પલટન કિલ્લાને સુરંગ દઈને ફુંકી નાખવા માટે આવી. વસ્તીએ કાલાવાલા કર્યા કે આમાં અમારાં દેરાં છે, ને દેરાંમાં મૂર્તિયું છે. માટે જાળવી જાઓ. પલટનનો સાહેબ બોલ્યો કે “બે કલાકમાં તમારી મૂર્તિ ઉઠાવી જાઓ, નહિ તો ટુકડો ય નહિ રહે.” મૂર્તિઓ ઉપાડીને રાધાજીની ગાશાળામાં પધરાવી, અને ચાર પડખેથી સુરંગ ભરીને ફોજવાળાઓએ આખો કિલ્લો અને ભેળા તમામ દેરાંને ફુંકી દીધાં. અટાણે તો ત્યાં દિવસે ય ખંડેરો ખાવા ધાય છે, રાતે તો ઉભા રહેવાતું નથી.”

“અને હવે ?”

“હવે તે હાંઉ, લૂંટ આદરી છે. દેરાંમાંથી નાણાં મળતા જાય છે તેમ તેમ લૂંટારાઓને ઉમંગ ચડતો જાય છે. ભગવાનને પહેરાવવાના અઢળક દાગીના, રોકડ...."

“અને વસ્તીએ પોતાનાં ઘરાણાં નાણાં દેરામાં સાચવવા મેલ્યાં છે તે ?”

“તે પણ ભેળાં જ જાશે બાપુ ? કોણ ભાવ પૂછશે ?”

“રણછોડરાય ! રણછોડરાય ! અમારાં પાપ અાંબી ગયાં ! સૂકાં ભેળાં લીલાં ય બળી જાશે. સત્યાનાશ વ્હોર્યું', મુરૂભા !” એમ બોલતો બુઢ્ઢો ચોધાર આંસુડે રોવા લાગ્યો.

આમ વાત થાય છે ત્યાં ખેભર્યો, સાંઢીયો ઝાડીમાં દોડ્યો આવે છે, અને માર્ગે બેઠેલ અસવાર, સાંઢીયો ઝૂક્યો ન ઝૂક્યો ત્યાં તો ઉપરથી કુદકો મારીને દાયરામાં શ્વાસ લીધા વિના વાવડ આપે છે :