પૃષ્ઠ:Sorathi Baharvatiya-2.pdf/૧૫૫

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૩૬
સોરઠી બહારવટીયા : ૨
 


“મડમ સાબ ! જોધો માણેક હાજર છે.”

“ઓ ! ઓ ! એને અાંહી ન લાવજો ! અાંહી ન લાવજો ! કદાચ સાહેબ ક્યાંઈક દગો કરે ! અાંહી કચેરીમાં નહિ, પણ બહાર જંગલમાં જ મળવાનું રાખજો !”

મેરીના અંતરમાં ફિકરનો ફફડાટ હતો. પોતાના ધણી ઉપર પણ એને પૂરો વિશ્વાસ નહોતો બેસતો.

સાહેબે ખુશીથી બહાર જઈને મળવાનું કબુલ કર્યું. રામજી શેઠ પોતાના રાજાને ખબર દેવા ગયા. એ બુઢ્ઢા ભેરૂને દેખતાંની વાર જ જોધો સામે દોડ્યો. ભાટીઆને બથમાં ઘાલીને મળ્યો અને ઉભરાતે હૈયે બોલ્યો “રામજી ભા ! જીરે જીરે મલ્યાસીં પાણ ! પાંકે તો ભરોંસો ન વો !” [ રામજીભાઈ ! જીવતાં જીવત આપણે મળ્યા ખરા ! મને તો ભરોસો નહોતો.]

રામજી શેઠની છાતી પણ ભરાઈ આવી. ભેળો પોતાના દીકરાનો દીકરો રતનશી, દસ વરસનો હતો, તે આ ભાઈબંધીનાં હેત જોઈ રહ્યો. [રતનશી આજે બેટમાં હયાત છે.]

સાહેબ આવ્યા. મડમ આવ્યાં. બન્નેએ જોધાની સાથે હાથ મિલાવ્યા. ગોરાં વરવહુ એ ઘઉંવરણા અને અભણ બળવાખોરની ખાનદાન મુખમુદ્રા સામે પ્રેમભીની મીટ માંડી જોધાની રેખા યે રેખાને જાણે પીવા લાગ્યાં. સાહેબ મડમ સામે જુવે, ને મડમ સાહેબ સામે જુવે. બેયની આંખો જાણે જોધાને માટે કાંઈક વાતો કરી રહી છે. મડમનું અબોલ મ્હોં જાણે કરૂણાભરી ભાષામાં કહી રહ્યું છે કે “ઓખા મંડળનો સાચો માલીક તો અા આપણે તો ફકત બથાવી પડ્યાં. આનાં બાળ બચ્ચાંનું શું ? એની ઓરત કયાં જઈ જન્મારો કાઢશે ? કાંઈ વિચાર થાય છે ?”

મડમની અાંખો પલળતી દેખાણી. બાર્ટને કહ્યું “જોધા માણેક ! તમે અાંહી મારી પાસે નજરકેદ રહેશો ? હું તમારૂં બહારવટું પાર પડાવું. તમારો ગુન્હો નથી. ગુન્હો તો તમને ઉશ્કેરનારનો છે. અાંહી રહો. હું તમારે માટે વિષ્ઠિ ચલાવું.”