પૃષ્ઠ:Sorathi Baharvatiya-2.pdf/૧૫૭

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૩૮
સોરઠી બહારવટીયા : ૨
 


૧૪

દાત્રાણા ગામના ચોરા ઉપર માણસોનો જમાવ થઈ ગયો છે; અને એક ગોરો સાહેબ કમરમાં તલવાર, બીજી કમરે રીવોલ્વર, છાતી ઉપર કારતૂસોનો પટો, સોનાની સાંકળી વાળી ટોપી, ગોઠણ સુધી ચળકાટ મારતા ચામડાના જોડા, પહાડ જેવો ઘોડો અને ફકત પાંચ અસવારો, એટલી સજાવટ સાથે ઉભો ઉભો ગામના પટેલને પૂછે છે “કીધર ગયા બારવટીયા લોગ ?”

પટેલ જવાબ આપતાં અચકાય છે. એની જીભ થોથરાય છે. કોઈ જઈને બહારવટીયાને બાતમી આપી દેશે તો પોતાના જ ઓઘામાં બારવટીયા પોતાને જીવતો સળગાવી દેશે એવી એના દિલમાં ફાળ છે. સાહેબે પોતાનો પ્રભાવ છાંટ્યો કે

“ગભરાયગા, ઓર નહિં બોલેગા, તો પકડ જાયગા, હમ હમારા બલોચ લોગકો તુમારા ઘર પર છોડ દેગા. વાસ્તે સીધા બોલો, કીધર હે બારવટીયા ?"

“સાહેબ, ચરકલા, ગુરગઢ અને દાતરડાના પાદરમાં થઈને બહારવટીયા ભવનેશ્વરના ડુંગરમાં ને પછી આભપરા માથે ગયા છે.”

“કિતના આદમી ?"

“બારસો ! ”

“રોટી કોન દેતા હે ?"

“સાહેબ, અમારા ગામનો પાડાવાળો પોતાનો પાડો છોડાવવા આભપરે ગયો'તો, એ નજરે જોયેલ વાત કહે છે કે બારસો યે જણા પડખેની ખળાવાડોમાંથી બાજરો લાવીને ફક્ત એની ઘૂઘરી બાફીને પેટ ભરે છે. અને જોધો માણેક બોલ્યો છે કે જામ સાહેબના મુકલમાં પૈસા વડીયે ખાધાનું મળશે તો ત્યાં સુધી અમારે લોકોને લુંટવા નથી. નીકર પછી મોટાં ગામોને ધમરોળવાં પડશે.”