પૃષ્ઠ:Sorathi Baharvatiya-2.pdf/૧૫૯

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૪૦
સોરઠી બહારવટીયા : ૨
 


“કોણ કોણ ?”

“દેવડાનો પટલ ગાંગજી, સંધી બાવા જુણેજાનો દીકરો, ને બે સૈયદ છે.”

“સૈયદ ભેળો છે ? ત્યારે તો નક્કી વષ્ટિ સાટુ આવતા હશે. સૈયદ તો મુસલમાનોનું દેવસ્થાનું કે'વાય. ગા' ગણાય. એને આવવા દેજો ભા !”

એક પછી એક નાકું અને ચોકી વળોટતા ચારે મહેમાનો આભપરાના નવા રાજાઓના કડક બંદોબસ્તથી દંગ થાતા થાતા આવી પહોંચ્યા. જોધા માણેક તથા મુળુ માણેકને પગે હાથ દઈને મળ્યા. બોલ્યા કે “જોધા ભા ! વેર ગાયકવાડ સામે, અને શીદ જુનાગઢ જામનગરને સંતાપો છો ? અમે તમારૂં શું બગાડ્યું છે ?”

“ભાઈ, અમને સહુને જેર કરવા સાટુ તમારાં રજવાડાં શીદ ગાયકવાડ અને અંગ્રેજની સાથે ભળ્યાં છે, તેનો જવાબ મને પ્રથમ આપો. અમે એનું શું બગાડ્યું છે ?”

“પણ કોઈ રીતે હથીઆર મેલી દ્યો ? સરકાર ગઈ ગુજરી ભૂલી જવા તૈયાર છે.”

“ખબરદાર વાઘેર બચ્ચાઓ !” વીઘો સુમણીઓ ખુણામાંથી વિજળીને વેગે ઉભો થયો, "હથીઆર મેલશો મા નીકર મારી માફક કાળાં પાણીની સજા સમજજો. રજપૂત પ્રાણ છોડે, પણ હથીઆર ન છોડે.”

જોધાએ મહેમાનોને હાથ જોડી કહ્યું કે “એ વાત મેલી દ્યો. અમને હવે ઈશ્વર સિવાય કોઈ માથે ભરોસો નથી. અને મેં તો હવે મારા મોતની સજાઈ પાથરી લીધી છે. હું હવે મારો માનખ્યો નહિ બગાડું."

પહાડ ઉપર જે કાંઈ આછી પાતળી રાબડી હતી તે પિરસીને મહેમાનોને જમાડયા. હાથ જોડી બેાલ્યો કે “ભાઈયું ! આપ તો ઘણ જોગ, પણ અસાંજી સંપત એતરી !”