પૃષ્ઠ:Sorathi Baharvatiya-2.pdf/૧૬૨

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
જોધો માણેક : મૂળુ માણેક
૧૪૩
 


તોપ પડતાં જ ગાળે ગાળેથી ફોજો ચડી. ઘૂમલીની દિશાએથી કંસારીની કેડીએ નગરનાં છસો માણસોની હાર બંધાઈ : દાડમાની કેડીએ ને નલઝરની કેડીએ બસો બસો સરકારી પલ્ટનીયાએ પગલાં માંડ્યાં. કિલ્લેસરથી ત્રણસે અને દંતાળો ડુંગર હાથ કરવા માટે સાડા પાંચસો ચડ્યા.

એમ આશરે બે હજાર ને ત્રણસો પૂરેપૂરા હથીઆરધારીઓએ વાઘેરોને વીંટી લીધા. જાણ થાતાં જ બહારવટીયાએ સામનો કરી હાકલ દીધી કે “હલ્યા અચો મુંજા પે ! હલ્યા અચો ! [હાલ્યા આવો મારા બાપ ! હાલ્યા આવો !]"

વાઘેર બચ્ચાના મ્હોંમાંથી ભર લડાઈમાં પોતાના કટ્ટા અને અધમ શત્રુની સામે પણ “હલ્યા અચો મુંજા પે !” સિવાય બીજો સખૂત કદિ નીકળ્યો નહોતો. મહેમાનને આદરમાન આપતા હોય, અને શત્રુઓને ઉલટા શુરાતન ચડાવતા હોય એવા પોરસના પડકારા દઈ પચાસ પચાસ બહારવટીયાના જણે જેવે તેવે હથીઆરે આ કેળવાયેલી ને સાધનવાળી પલટનોનો સામનો કર્યો, મરદની રીતે ટપોટપ ગોળીએ વીંધાતા ગયા. કંસારીનાં દેરાંને મોર્ચે, આશાપરાના ધડાની ચોકી, વીણુનો ધડો, એમ એક પછી એક ચોકીઓ પડતી ચાલી.

બીજી બાજુથી સરકારે પાસ્તર ગામના રબારી માંડા હોણને ભોમીઓ બનાવી, એના એક સો રબારીઓને ખંભે રબરની અને કાગળની તોપો ઉપડાવી આભપરે ચડાવી. દિવસ ઉગ્યો અને તોપો છૂટી. કાળુભા અને સાકુંદા તળાવમાં ગોળા પડ્યા. પાણી છોળે ચડ્યાં. સુરજને પગે લાગતો જોધો બોલ્યો કે “થઈ ચૂકયું. આપણા પીવાનાં પાણીમાં ઝેરના ગેળા પડ્યા. હવે આભપરો છોડીને ભાગી છૂટીએ.”

પોતાનાં સાતસો જુવાનોને આભપરે સૂવાડીને બારવટીયાએ દંતાળાને ડુંગરે એક દિવસને ઓથ લીધો. જોધા માણેકે આ પ્રમાણે ટુકડીઓ વ્હેંચીઃ