પૃષ્ઠ:Sorathi Baharvatiya-2.pdf/૧૬૮

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
જોધો માણેક : મૂળુ માણેક
૧૪૯
 


“શું છે માડી ?” જોધાએ પૂછ્યું.

“મારે એકનો એક દીકરો છે, એની વહુને અટાણે છોરૂ આવવાનું ટાણું છે. આ ધડાકા સાંભળીને વહુ બાપડી ફાટી મરશે."

જોધાએ હાથ ઉંચો કરી ગોળીબાર થંભાવ્યા.

કાયસ્થ દેશાઇનું ઘર હતું, બહારવટીયા ત્યાં લૂંટી રહ્યા હતા. ચાર વરસના એક નાના છોકરાના પગમાંથી તોડા કાઢતા હતા. છોકરો રોતો હતો.

“ભાઈ માધવરાય !” એ છોકરાની બ્હેને હાકલ કરી: “રોવે છે શીદ ભાઈ ? તું જીવતો રહીશ તો તોડા ઘણા મળી રે'શે, રો મા, માધવરાય !”

“માધવરાય” નામ સાંભળતાં જ વાઘેરો અટકી ગયા. એક બીજાની સામે જોઈ કહેવા લાગ્યા કે “પાં તો માધુરાયજા કૂતરા આહાં ! માધુરાય તો અસાંજા ઠાકોર ! [આપણે તો માધવરાયના કૂતરા છીએ. માધવરાય તો આપણા પ્રભુ કહેવાય.”

એ બાળકને માધવપુરવાળા પ્યારા પ્રભુ માધવરાયનો નામેરી જાણીને વાઘેરો પગે લાગ્યા અને વગર લૂંટ્યે બહાર નીકળી ગયા.

ગામ કબજે કરી કચેરી ભરીને બહારવટીયાએ બેઠક જમાવી. નગરશેઠ કરસનદાસને સન્મુખ બેસારેલા છે. નગરશેઠે હાથ જોડીને કહ્યું કે “તમારે શરણે આવ્યા છીએ. હવે અમારી આબરૂ રાખો અને કોરે કાગળે દંડનો આંકડો માંડો.”

કહેવાય છે કે બહારવટીએ પાંચ હજાર રાળ (Rials નામનું પોર્ટુગીઝ નાણું કે જેનું, દીવ નજીક હોવાથી નાઘેરમાં ચલણ હતું.) એટલે કે રૂા. ૧૨૫૦૦ દંડ માંડ્યો. શેઠે દંડ કબૂલ કર્યો. પછી વિનતિ કરી કે “સહુ દાયરો લઈને મારે ઘેર પગલાં કરો.”

બહારવટીયો વિશ્વાસ મૂકીને શેઠને ઘેર પરોણો બન્યો. ઘરને ભોંય તળીએ તો કાંઈ નહોતું, પણ પહેલે માળે જાય ત્યાં બહારવટીયાએ જોયું કે તેલની મોટી કડાઓ ઉકળી રહી