પૃષ્ઠ:Sorathi Baharvatiya-2.pdf/૧૭૭

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૫૮
સોરઠી બહારવટીયા : ૨
 


એક અલમસ્ત આદમી ઉઘાડે શરીરે ખેતરમાં ઘાસ વાઢતો હતો એણે આ શબ્દો સાંભળીને પૂછ્યું “ એ બારોટજી ! ક્યાં ઝટ પોગવું છે ?”

“પોગવું છે ભાઈ, પોગવું તો છે દુલા રાજાની પાસે, ઝટ જઈને દુવા કે'વા છે ! આહાહા મૂળવો, કરાફાતનો વાઘેર મૂળવો !

કેસરીયા વાઘા કરી, કાંકણ બાંધ્યું કોય,
જગત ઉભી જોય, માણેક પરણે મૂળવો !

અને મુળવા ! તારી શી વાત !

તું ટોડા ગોપાળતણ, જો મેલીને જાત,
(તો તો) સવખંડ ચેરો થાત, માણેક તાહળો મૂળવા !

બારોટે બે દુહા લલકાર્યા, ત્યાં વગડો આખો જાણે સજીવન થઈ ગયો. મજૂર મૂલી, ખેડુતો, પશુઓ, સહુ ઉચાં માથાં કરી સાંભળી રહ્યાં. તેમ તો બારોટની ગળી ગયેલ ભુજાઓમાં બેવડું જોર આવ્યું. હાથ લાંબા કરીને લલકારવા લાગ્યો:

મૂળુ મૂછે હાથ, તરવારે બીજો તવા,
હત જો ત્રીજો હાથ (તો) નર અંગરેજ આગળ નમત!

“રંગ મૂળવા રંગ ! બેય હાથ તો રોકાઈ ગયા, એક હાથ મૂછનો તાવ દે છે ને બીજો તરવારની મૂઠ ઉપર જાય છે. ત્રીજો હાથ કાઢે ક્યાંથી ? અમરેલીવાળા ભુરીયાઓ ઘણુંય કહ્યું કે મુળુ માણેક ! સલામ કર, પણ ત્રીજા હાથ વગર સલામ શેની કરે ?”

“અરે પણ બારોટ | ફટકી કાં ગયું ? મુળુ માણેક તો વડોદરે રેવાકાંઠાની જેલમાં સડે છે ! ખોટાં બોકાસાં કાં પાડો ? ગળું દુખવા આવશે !"