પૃષ્ઠ:Sorathi Baharvatiya-2.pdf/૧૯૧

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૭૨
સોરઠી બહારવટીયા : ૨
 

નીકળી ગયા. ઘરની શીતળ છાંયડીવાળી કોડ : હેલ્યે પાણી ભરતી સુતારણ : ખભા ઉપર ખેલતાં નાનાં છોકરાં; એ બધુંય સ્વપનું એક ઘડીમાં સમાઈ ગયું. ઝબક્યો હોય તેવી ઉતાવળે મુળુભાને પગે હાથ નાખીને કહે છે કે “કબુલ છે બાપુ ! મારે તો ઈ અધરમના કરવાવાળા - ઈ સવેલડાં લઈ જનારા શાહુકાર માથે અને ઈ અનીતિનાં દલાલાં આરોગનાર નાત ને દરબાર માથે આખો અવતાર વેર વાળ્યે જ છૂટકો છે.”

“રંગ તુંને ! બેાલ, જાન કેદિ'ને કયાંથી નીકળવાની છે ?”

દિવસ અને જગ્યા નક્કી થયાં. બહારવટીયાઓએ છાનામાના ઓડા બાંધ્યા. બરાબર બપોરે સુતારની જાનનાં ગાડાં ખડખડ્યાં. વરના માથા ઉપર ટબુડી ખખડાવીને લૂણ ઉતારતી બહેન ગાઈ રહી છે કે

મેઘવરણા વાઘા વરરાજા !
કેસર ભીનાં વરને છાંટણાં.
સીમડીએ કેમ જાશો વરરાજા !
સીમડીએ ગેાવાળીડો રોકશે.
ગોવાળીડાને રૂડી રીત જ દેશું
પછી રે લાખેણી લાડી પરણશું !

અને હાથમાં તરવાર વાળો વરરાજા મૂછોના આંકડા ચડાવતો બેઠો છે.

ત્યાં માર્ગે બોકાનીદાર બહારવટીયા ખડા થઈ ગયા. ગાડાં થંભ્યાં, જાનમાં રીડારીડ થઈ પડી. બંદૂક તાકીને બહારવટીયો બોલ્યો:

“કોઈ ઉઠશેા મા. ને કોઈ રીડ્યું ય પાડશો મા. અમારે કોઈને લુંટવા નથી. ફકત એક હરામી વરરાજાને જ નીચે પછાડો.”

બાવડું ઝાલીને માણસોએ વરને પછાડ્યો. મુળુએ હાકલ કરી “હવે કાઢ્ય તારાં ઘરાણાં”

ઘરાણાંનો ઢગલો થયો: મુળુ પોતાના ભેરૂ સૂતાર તરફ ફર્યો. "પેરી લે બેલી !”