પૃષ્ઠ:Sorathi Baharvatiya-2.pdf/૧૯૭

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૭૮
સોરઠી બહારવટીયા : ૨
 


“યે મેઘજીન, ઔર દારૂગોળા, હમારા સિર સાટે. સિર પડેગા, પીછે ઇસ સરંજામ પર તુમારા હાથ પડેગા. હમ નહિ હટેગા. હમ નીમક ખાયા."

બહારવટીયાએ આ વિલાયતી જૂવાનના ગુલાબી બદન પર સાચો રંગ પારખ્યો. સાથીઓની તરફ વળીને કહ્યું કે “આવા વીરને એકલાને આપણે સામટા જણ ભેળા થઈને મારી પાડીએ ઈ શોભે ! બોલો ભાઈઓ !”

માણસો બોલતાં નહોતાં. જમૈયાવાળા જુવાનને જોઈ રહ્યાં હતાં. જુવાન અબોલ હતો, પણ એના દેખાવની ખુમારી જાણે હાકલ કરી કરીને બોલતી હતી કે “નહિ હટેગા, નીમક ખાયા.”

મુળુએ આજ્ઞા કરી : “આવો બેલી ! આપણે સહુ બાજુએ બેસી જાયીં. આપણામાંથી એક એક જણ ઉઠે. ને આ જોવાનની હારે જુદ્ધ માંડે. બાકી ઈ પડે ત્યાર પહેલાં એના સરંજામને અડવું અગરાજ છે. ”

બધા જણ બાજુએ બેઠા. એક જુવાન ઉઠીને આરબ સાથે બાખડ્યો. નીમકની રમત રમતો રમતો આરબ આખરે પડ્યો. મુળુએ મરતા શત્રુની પીઠ થાબડી :

“શાબાશ તારી જણનારીને જુવાન !”

આરબની લાશ ઉપર બહારવટીયાએ કીનખાબની સોડ્ય ઓઢાડી, લોબાનનો સુગંધી ધુપ દીધો, અને મુસલમાનની રીતે બહારવટીયાએ જુવાનને દફનાવ્યો.