પૃષ્ઠ:Sorathi Baharvatiya-2.pdf/૨૦૨

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
જોધો માણેક:મૂળુ માણેક
૧૮૩
 

મરતો એ મીંયા અલ્વીની વાટ જોતો હતો. અલ્વીને પોતાની સાથે લઈ જવાની એની છેલ્લી ઈચ્છા હતી. એ વખતે લાટુશના મોતથી વિફરેલો હેબર્ટ હાથમાં ઉઘાડી તલવાર લઈ ઘૂમે છે. એવે એણે એક જગ્યાએ દેવાને પડેલો દીઠો. એને મુવેલો માની ગોરો તલવારની અણી હૂલાવવા ગયો. મરણની તૈયારી કરતા વાઘેરે સુતાં સુતાં પોતાના પડખામાં પડેલી બંદૂક ઉપાડી હેબર્ટને ત્યાં ને ત્યાં ફુંકી દીધો અને પોતે પણ થડકારાથી શ્વાસ છોડ્યો. (કહે છે કે લાટૂશને પણ દેવાએ ત્યાં જ મારેલો.)

એ ધીંગાણાંમાં કામ આવેલા એાગણીસ જણની લાશો બીજે દિવસે માછરડાને પાદર વડલાની ડાળે લટકી ત્યારે મુલકમાં થરેરાટી બોલી ગઈ.

મધરાતે મુળુ માણેક આવી પહોંચ્યો. ચોકી વચ્ચેથી ભાઈની લાશ ઉપાડી ગયો. સોગઠીને પાદર જઈને લાશને દેન દીધું.

માણેકે માંડવ રોપીયા, વાગે ત્રંબક તૂર,
દેવે ખાગેથી ડંસીયા હેબર્ટ ને લટૂર.

[માણેક વાઘેરે માંડવા રોપ્યા, ત્રાંબાળુ ઢોલ ને તૂરીના નાદ થયા. દેવાએ તલવારથી હેબર્ટ અને લટૂશ, બન્ને ગોરાઓને માર્યા.]