પૃષ્ઠ:Sorathi Baharvatiya-2.pdf/૨૧૫

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૯૬
સોરઠી બહારવટીયા:૨
 


આવાજ દેનાર આદમી રજપૂત છે. પડખે ઢાલ તલવાર ને ભાલો પડ્યાં છે. સામે એક તાજું મુડદું બળ્યું હોય તેવી ચિતા સળગે છે. ચિતામાં ભડકા નથી રહ્યા, પણ લાકડાંના મોટાં ખોડસાનો દેવતા ચારે બાજુ લાલ ચટક ઝાંય પાડતો, તા ન ઝીલાય તેવો આકરો, કોઈ અગ્નિકુંડ જેવો સળગી રહ્યો છે. રજપૂતનાં ત્રણે હથીઆર એ તેજમાં ચમકે છે. અને મસાણમાં પ્રેત બેઠું હોય તેવો દેખાતો એ ગરાસીઓ આગમાં એક ધીંગો ઘેંટો શેકે છે.

શેકીને એણે હાથમાં જમૈયો લીધો, ઘેંટાના ભડથામાંથી કટકા કાપ્યો, અને ઉંચે જોઈ હાકલ દીધી કે “કોઈ અન્ન પાણીનું ક્ષુધાર્થી ! કોઈ ઉપવાસી ! ”

હાકલ પૂરી થાતાં જ પાછળથી, રજપૂતના ખંભા ઉપર થઈને એક હાથ નીકળ્યો. પંજો પહોળો કરીને એ હાથ જાણે કે જમવાનું માગે છે. કોઈ બોલતું નથી. રજપૂત ચિતા સામે મ્હોં રાખીને બોલ્યો : “આ લ્યો ભા ! તમારે તો મોઢું દેખાડવામાં ય લાજ આવતી હશે ! ઠીક ! મારે મોઢું જોઈને કરવું છે ય શું ?”

રજપૂતને પાછળ નજર ન કરવાની તો પ્રતિજ્ઞા છે. વાંસેથી આવીને કોણ હાથ લંબાવે છે એ જાણવાની એને જરૂર નથી. કોઈ ક્ષુધાર્થી હશે એટલું જ જાણવું બસ હતું. માંસનો પહેલો ટુકડો એણે એ ગેબી હાથની હથળીમાં મૂકી દીધો, લઈને હાથ પાછો ચાલ્યો ગયો.

બીજુ બટકું કાપીને જ્યાં રજપૂત પોતાના મ્હોમાં મેલવા જાય છે, ત્યાં ફરીવાર એજ હાથ લાંબો થયો. ને હથેળી ધરી.

“વળી પાછો લોભ લાગ્યો? ઠીક, લ્યો ! ભાગો ! ”

બીજો ટુકડો પણ રજપૂતે એ હથેળીમાં ધર્યો, લઈને હાથ પાછો ખેંચાઈ ગયો.

ત્રીજો ટુકડો: ચેાથો ટુકડો : પાંચમો : છઠ્ઠો :