પૃષ્ઠ:Sorathi Baharvatiya-2.pdf/૨૧૬

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
જેસોજી વેજોજી
૧૯૭
 


વારંવાર હાથ લાંબો થતો જ ગયો, ને રજપૂત એને બટકાં આપતો ગયો. એમ કરતા આખો ઘેટો ખલ્લાસ થયો તો યે હાથ તો ફરીવાર બહાર નીકળ્યો.

“રંગ છે તમને ભા ! ૫ત્ય લેવી છે ! લ્યો ત્યારે !”

રજપૂત કળી ગયો. જમૈયો પોતાના શરીર પર મેલ્યો, ઝરડ ! દઈને એણે પીંડી કાપી. કાપીને લોહી નીતરતી એ હાથમાં મેલી; ને જયાં બીજી પીંડી વધેરવા જાય છે ત્યાં મા ! મા ! એવો માકાર થયો. કોણી સુધી હેમની ચૂડીએ ખળકતો કંકુવરણો હાથ બહાર નીકળ્યો અને રજપૂતનું જમણું કાંડું ઝાલી લીધું. રજપૂતે હાકલ કરી:

“કોણ છે તું ?”

“બાપ ! હું શક્તિ ! ”

એમ કહેતાં દેવી સન્મુખ પધાર્યા.

“કાં માડી ! કાંડું કાં ઝાલો ?”

“બાપ ! હવે હાંઉ ! ધરાઈ રહી.”

“રજપૂતનું પણ લેવું'તું મા ?”

“પણ નો'તું લેવું. પણની કસોટી લેવી'તી. લે બોલ, તું કોણ છે, બાપ ?”

“માડી ! હું બહારવટીઓ છું. સારૂ માણસ તો અહીંયા ક્યાંથી બેઠું હોય ?”

“નામ ?”

“જેસો.”

“સાખે ?"

“સરવૈયો.”

"એકલે પંડ્યે છો ?”