પૃષ્ઠ:Sorathi Baharvatiya-2.pdf/૨૧૯

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૦૦
સોરઠી બહારવટીયાઃ૨
 


“હોય બારોટ ! વેળા વેળાની છાંયડી છે. અને ચાર ચોરાશીયુંના મોડ પહેરનારા પુરૂષો જ્યારે અનોધાં દુઃખ વેઠે છે, ત્યારે અમથી આટલાં તપ તો તપાય ને ! તરવાર લઈને જે દિ' જોડે ઘુમશું તે દિ' વળી વશેકાઈ વદશે. આજ તો આભને ઓળે છોરૂડાંને ઉઝેરીએ છીએ ગઢવા !”

ચારણે વાળુ કર્યું. પ્રભાતે ચારણે રજા લીધી. કહેતો ગયો કે “માડી ! છઉં તો પાદશાહનો દસોંદી, પણ તમારા ઠાકોરને ન ઉગારૂં તો આ અનાજ કીડાને ખવરાવ્યું સમજજો !”

“હજાર હાથવાળો ઉગારશે ગઢવા ! બાકી અમે તો ચૂડા ભાંગવા તૈયાર થઈને જ બેઠીયું છીએ. પણ અમારાં દુઃખને કારણે બારવટીયા પાદશાહને શરણે જાય, ઈ તો કદિ નહિ થાય.”

“જેસાજી વેજોજી પાદશાહને શરણે જાય ! હથીઆર મેલે ! તો તો ગંગા અવળી વહે, અને રંગ છે તમને રજપુતાણીયું ! આમ ૨ઝળીને પણ ધણીઓને પાનો ચડાવો છો. રંગ !

હજી સૂર ઝળહળે
હજી સાબત ઈંદ્રાસણ !
હજી ગંગ ખળહળે
હજી પરઝળે હૂતાશણ !

છપ્પય બોલતાં બોલતાં ચારણના રૂવાડાં બેઠાં થઈ ગયાં અને એણે દુહો લલકાર્યો :

(જો) જેસો ને વેજો જાય ઓળે અહરાણું તણે,
(તો તો) પે પાંડરૂં ન થાય કાળી ધેને કવટાઉત !

[જો જેસો વેજો જેવા અટંકી રજપૂતો પાદશાહને શરણે જાય, તો સૃષ્ટિના નિયમ પલટી જાય : તો તો કાળા રંગની ગાયનું દૂધ પણ કાળુ જ બની જાય, ધોળું ન રહે.]