પૃષ્ઠ:Sorathi Baharvatiya-2.pdf/૨૨

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.

"મા૨ા દાદા સામત ખુમાણે ભાઈ બેટાઓનાં લીલાં માથાં વઢાવી વઢાવી કુંડલાની ચોરાશી ઘેરે કરી; રાવણ જેવા ખસીઆઓનું જડાબીટ કાઢી મીતીઆળા સરખા કિલ્લા હાથ કર્યા, અને શું આજ ઠાકોર આતોભાઈ પોતાની બંદુકડી બતાવી અમારાં ચોરાશી પાદર આંચકી લેશે ? ના, ના, તો તો અમે સામત ખુમાણના નવે પોતરા, બાપ આલા ખુમાણના અમે નવે બેટડા બારવટાં ખેડશું.”

“આપા હાદા ! તમારા આઠ ભાઈઓની આશા તો હવે મેલી દ્યો.” ખબર દેનારે કહ્યું.

“કાં ?”

“એને તો ઠાકોર વજેસંગે પાળેલાં પશુડાં બનાવી લીધાં. ઇ તો એ પૂછડીયું પટપટાવે !”

“એટલે ?”

“એટલે શું ? સહુ પોતપોતાનાં છ છ ગામ દબાવીને બેસી ગયા ત્યાં તો ઠાકોરનો સંદેશો આવ્યો કે મારી શરત નહિ માનો તો શેત્રુંજીને કાંઠે ફરીને તોપખાનું ફેરવીશ; અને ખુમાણોને ફુંકી દઈશ.”