પૃષ્ઠ:Sorathi Baharvatiya-2.pdf/૨૨૨

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
જેસાજી વેજોજી
૨૦૩
 


“આ જેને પાંભરી એાઢાડી એનો વિચાર કરૂં છું. મ્હોંયેથી એને માની જણી બોન કહી દીધી. અને આપણે કોણ, વેજા ? આપણે તો ગંગાજળ ! પાંચાળીની એબ ઢાંકનાર યદુનંદનના બાળકો !”

બોલવાનો સંચળ થયો. ને ઓછી નીંદરવાળી પઠાણજાદીની આંખોનાં પોપચાં, સરોવર માયલાં પોયણાં જેવાં ઉઘડ્યાં.

“ઓ ખુદા !” એવી ચીસ એના ગળામાં જ રૂંધાઈ ગઈ.

વેજાજીએ ડોળા ફાડી નાક પર આંગળી મૂકી. હુરમ પાદશાહના પલંગ આડે ઉભી રહી.

“હટી જા બોન ! તું બોન છે, બ્હીશ મા ! તારો સતીધરમ રજપૂતના હાથમાં હેમખેમ જાણજે. પણ આ અસૂરને તો આજ નહિ છોડીએ.”

“હું તમારી બોન ! તમે મારા ભાઈઓ ! કાપડું માગું છું.”

“માગ્ય ઝટ !”

“મારો ખાવંદ, મારો પાદશાહ કાપડામાં આપો.”

“પત્યું વેજા ! જેવાં આપણાં તગદીર ! વળો પાછા. હવે તો પાદશાહ બોનને કાપડામાં રહ્યો.”

બેય જણા ઉતરી ગયા. દાંતમાં લીધેલી તલવારો ઝબૂકતી ગઈ.

શું થયું, તેની બ્હીકે નહિ, પણ શું થાત તેને ધ્રાસકે થર થર કાંપતી હુરમે ધણીને અંગૂઠો મરડી જગાડ્યો. કહ્યું કે

“જેસો વેજો આપણા મહેલમાં !”

“હેં !” પાદશાહ હેબતાઈ ગયો. “ક્યાં છે ?”

“ચાલ્યા ગયા.”

“કેમ ?”

“પાદશાહનો જીવ મને બોન કહી કાપડામાં દીધો.”

પણ પછી તો પાદશાહની ઉંધ જાતી રહી. દિવાલો પર, દરવાજે, પલંગ પાસે, પવનનાં ઝપાટામાં તે ઝાડના ફરફરાટમાં એણે બહારવટીયા જ જોયા કર્યા :