પૃષ્ઠ:Sorathi Baharvatiya-2.pdf/૨૨૩

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૦૪
સેારઠી બહારવટીયા : ૨
 

મોદળ ભે મટે નહિ, સૂખે નો સૂવાય,
મામદના હૈયામાંય, કૂદે હરણાં કવટાઉત !

[મેાદળ (જૂનાગઢ)ને ભય નથી મટતો. સુખથી સૂવાતું નથી. અને મામદશા પાદશાહના હૈયામાં તો હરણાં જેમ કૂદકા મારતાં હોય તેમ ભયના ફફડાટ થાય છે.]

મેઘલી અંધારી રાતે, બેય બહારવટીઆ સોનરખ નદીને કાંઠે રોઝડાં ઉપર અસવાર બની ઉભા છે. મે'ની ઝડીઓ વરસે છે તેથી માથે કૂંચલીઓ ઓઢી લીધી છે. ભાલાંના ટેકા લીધા છે. અને ઘણા ઘણા દિવસના થાક ઉજાગરાથી બેયની આંખો મળી ગઈ છે. એ ઘડી-બઘડીના ઝોલામાં પણ બેય જણા પોતાના ગરાસ પાછો સોંપાયાનાં મીઠાં સોણાં ભાળે છે. જાણે બાર વરસની અવધિએ બાળ બચ્ચાંની ભેળા થઈ રજપૂતો હૈયાની માયામમતાભરી કોથળીઓ ખાલી કરે છે.