પૃષ્ઠ:Sorathi Baharvatiya-2.pdf/૨૨૬

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
જેસોજી વેજોજી
૨૦૭
 

ગિર વીંધીને રાવલ પડી છે. આભે અડવાની હોડ રમતી હોય તેવી એની ઉંચી ઉંચી ભેખડો ચડી છે. ઉંચેરી ભેખડોને માથે પણ ક્યાંઈક ક્યાંઈક ડુંગરા ઉભા છે. ભેખડોના પેટાળમાં પાળો આદમી પણ ન વીંધી શકે એવી ઘોર ઝાડી ઉભી છે. એ ઝાડીને ઝાળે ઝાળે સાવઝ હુંકે છે. જેવા ડુંગરા, જેવી વનરાઈ, જેવા સાવઝ, તેવા જ ત્યાં વસે છે નેસવાસી રબારીઓ ને ચારણ આયરો : તેવી જ ચરે છે સાવઝશૂરી ભેંસો : આમ રાવલની ગોદમાં તો બધાં બળીયાં જ પાકે છે. સાદુળાની માતા જાણે કોઈ પૂર્વ જૂગમાં શા૫ લાગ્યાથી નદી બની ગઈ છે. ઉનાળે શિયાળે અબોલ ચાલી જતી રાવલ આજ ચોમાસે ભાદરવાના ભરપૂર વરસાદમાં હાથીના ય ભુકા બોલાવે એવી મસ્તીમાં બે પૂર ચાલી જાય છે. પાણીની થપાટો ખાઈને જાણે રાવલની ભેખો રીડીયા કરે છે. દયા માયા એને સંસારમાં કોઇની રહી નથી. પ્રવાહમાંથી અવાજ ઉઠે છે કે માર માર ! માર માર માર ! બીજી વાત નહિ.

શક્તિએ સમર્પેલ રોઝડાં સાંકડો ગાળો ગોતીને ટપી ગયાં. સામે કાંઠે ઉતર્યા પછી પાછા ફરીને બેય ભાઈ જુનાગઢી સેનાની સન્મુખ ઉભા રહ્યા. રાવલે ફોજને સામે કાંઠે જ રુંધી રાખી હતી. સંધ્યાની લાલ૫માં રંગાતી આ બે મરણીયા ક્ષત્રિઓની મુખકાંતિ નિહાળીને પઠાણો પાછા ફર્યા.