પૃષ્ઠ:Sorathi Baharvatiya-2.pdf/૨૩૧

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૧૨
સોરઠી બહારવટીયા :૨
 


કોપાયલા પાદશાહના પાણીપંથા ઉંટ અને ઘોડા બહારવટીયાની પાછળ ચડ્યા. કેડે કેડા રૂંધાઈ ગયા. કૈંક ગાઉની મજલ કપાઈ ગઈ. પણ પાછળ ફોજના ઘોડાની પડધી ગાજતી અટકતી નથી અને ગંગદાસનો ઘોડો ધીરો પડવા લાગ્યો છે.

“કાં દાદા ! ઢીલપ કેમ વરતાય છે ?” જેસો પૂછે છે.

“કાંઈ નહિ બાપ, ઈ તો ગઢપણનું. લ્યો હાંકો !” વળી થોડીવાર હાંક્યા પછી ધીરા પડે છે.

“ના, ના, દાદા ! ખરૂં કહો, શું થાય છે ?"

“બાપ ! વાંસામાં જીવાત્યની વેદના ખમાતી નથી.”

“કાં ! લોટ નથી ભર્યો !”

“ભર્યો'તો. પણ ઘણા પહોર વીત્યા. જીવાત્ય ફરીવાર ભૂખી થઈ હશે."

“શું કરશું ?”

“કણી અફીણ હશે ? તો ડીલને ટેકો થાય ને પીડા વિસરાય.”

ત્રણેમાંથી કોઈના ખડીયામાં કણી અફીણ નથી નીકળ્યું. ઘોડાં પૂર પાટીએ લીધે જાય છે. ઉભું તો રહેવાય તેમ નથી. એમાં જેસાજીને ઓસાણ આવ્યું.

કાળી ને જરાક પલળેલી જમીન આવી ત્યારે ભોંમાં ભાલો; ખુતાડીને એણે ઉંચો લઈ લીધો. ભાલાને કાળો ગારો ચોંટી ગયો હતો તે ઉખેડી, જેસાજીએ અફીણ જેવી ગોળી વાળી.

“લ્યો દાદા, અફીણ ! ઠાકરની દયાથી મારા માથામાંથી આટલું જડી આવ્યું."

આફીણ જાણીને ગંગદાસજી આરોગી ગયા. વેદના થોડી વાર વિસારે પડી. ફરી ટટ્ટાર થઈને ઘોડો દોટાવ્યો. પણ વેદના સહેવાતી નથી. પાઠામાં ખદબદતી જીવાત્ય શરીરની કાચી માટીમાં ઉડી ને ઉંડી ઉતરતી જાય છે.