પૃષ્ઠ:Sorathi Baharvatiya-2.pdf/૨૩૩

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૧૪
 


“તો તો આ ગોત્રગરદન કરી એળે જાય ! શું કરશું ?"

“હાલો પાછા ! ચિતામાં માથુ હોમ્યે જ છૂટકો છે.”

બહારવટીયા પાછા આવ્યા. મરણીયા થઈને ફોજ માથે પડ્યા. દાદાની ચિતા સળગી રહી છે. ભાલાની અણીએ ચડાવેલું માથું ચ્‍હેમાં હોમી દઈને અલોપ થયા.

જેસાના મારેલ જોય, હોદા કેક ખાલી હુવા
રહીયું બીબીયું રોય, કેકહુંદી કવટાઉત !

[કેટલા યે અમીરોને જેસાએ મારી નાખ્યા, તેથી કેટલા યે હાથીની અંબાડીઓ ખાલી પડી. કેટલા યે મુસલમાનોની બીબીઓ રોતી રહી.]

જેસાના જખમેલ જ્યાં ત્યાં ખબરૂં જાય,
(ત્યાં તો) મામદના હૈયા માંય, કૂદે હરણાં કવટાઉત !

[જેસાજીને હાથે અમૂક માણસો જખ્મી થયા, એવી ચોમેરથી ખબરો આવે છે, એ સાંભળીને મામદશા પાદશાહના હૈયામાં હરણાં કૂદી રહ્યાં હોય એવી વ્યાકૂળતા ચાલે છે.]