પૃષ્ઠ:Sorathi Baharvatiya-2.pdf/૨૩૫

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૧૬
સોરઠી બહારવટીયાઃ૨
 


“શેઠ, અમે ડગલામાં કાંઈ એરૂ વીંછી થોડા ભર્યા હશે ?”

“પણ બાપુ ! એ જેસાજી બાપુ ! મને વેદના બહુ થાય છે.”

“અરે વાણીયો ! એમાં બીજુ કાંઈ નથી. અમારા ટોલા છે. અમારા ચાંચડ, માંકડ છે. ભાઈ ! અમે તો રોજ આ ડગલા પેરીએ છીએ. પણ ટોલા બાપડા હવે તો અમારાં ડીલમાં લોહી વિના શું પીવે? આજ ટોલાને ઠીક તમારૂં મીઠું લોહી મળ્યું ! શેઠીઆ માણસનું ગળ્યું લોહી બાપડા બારવટીયાના ટોલાને ક્યાંથી મળે ?"

“એ બાપા ! આ તો ગઝબ ! નથી રેવાતું.”

“ફકર રાખો મા શેઠ, શેર અધશેર લોહીમાં કાંઈ મરી નહિ જાઓ. તમને અમારે બરછીએ નથી વીંધવા. તમને વાણીયાને અમે વાઢીએ કાપીએ નહિ. નાહક લોહી ભાળીને તમને ઉનત્ય આવે. ઈ કરતાં આ ટોલા ભલા. તમને ય પૂણ્ય થાય ને અમને ય એક દિ' પાશેર લોહીનો બચાવ થાય.”

“પણ મારાથી આ નથી સહેવાતું. મને મોકળો રહેવા દો. તમે રાખશો એટલા દિ' આંહી રહીશ.”

“ભાઈ વેજા !” જેસો બોલ્યો, “ શેઠને હવે સંતાપ મા. ઉતારી લે ડગલો.”

ડગલો ઉતારતાં જ વાણીઆએ 'હાશ' ઉચ્ચાર્યું. શરીર પર જીવાત્યના ચટકાનું ચિત્રામણ થઈ ગયું છે.

“વણારશી શેઠ !” બહારવટીયો બોલ્યો “આ ડગલો અમે રોજ પહેરીએ છીએ. અમારા દુ:ખનો કાંઈ ખ્યાલ આવે છે ?”

“શા સારૂ ટોલા સાચવો છો, બાપુ !”

“તમારા ઓલા ધોળાં પીળાં લૂગડાંવાળા સાધુ શા સારૂં ટોલા સાચવે છે ? જાણતા નથી ?"

“એનાથી તો જીવ ન મરાય. એ તો સાધુ કહેવાય. જીવદયા પાળવાનાં એનાં વ્રત લેખાય.”