પૃષ્ઠ:Sorathi Baharvatiya-2.pdf/૨૩૭

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૧૮
સોરઠી બહારવટીયાઃ૨
 

વાતો થાય છે ત્યાં ઓચીંતો રથ ગાજિયો. રાતોચોળ માફો દેખાણો, ભાલો ઉપાડીને ઠેક દેતો પંચકેશવાળો સાવઝ વેજોજી ડુંગરાની ટોચે ગયો.

“મોટાભાઈ ! ” વેજાએ કહ્યુંઃ “એક બાઈ માણસ ઉતર્યું દેખાય છે. હારે પાંચ આદમી લાગે છે.”

“હથીઆરબંધ ? ”

“ના, માથા ઉપર અક્કેક કોથળી મેલી છે. મજૂર જેવા હાલ્યા આવે છે.”

“વેજા ! બાપ, સામો જા. જે કોઈ બોન હોય એને આંહી સાચવીને તેડી લાવ. વગડામાં જનાવરનો ભો છે.”

થોડીવારે વેજાજી એક બાઈને અને પાંચ કોથળીવાળા મજૂરોને તેડી ભોંયરે આવ્યો. બાઇને જોતાં જ વણારશી શેઠની મુખમુદ્રા, દીવેલ પૂરતાં જેમ ઠાકરની આરતી ઝળેળી ઉઠે તેમ ચમકી ઉઠી. આવનાર સ્ત્રીએ નીચું નિહાળી સાડલાનો છેડો સરખો કર્યો.

બહારવટીયા સમજી ગયા. પાંચે થેલી બહારવટીયાની સન્મુખ મૂકાવીને એ સ્ત્રી આગળ વધી. ગરવી, ગોરી, પેટે અવતાર લેવાનું મન થાય તેવી એ બાઈએ જાજરમાન અવાજે પુછ્યું “ભાઈ, તમે જ જેસાજી વેજાજી ?”

“હા બાઈ ! અમે પોતે જ."

“લ્યો તમારાં દુ:ખણાં લઉ." આગળ વધીને બેય બહારવટીયાનાં નીચાં નમેલ માથાંને વાણીઆણે વારણાં લીધાં.

“તમે કોણ છો બા !” બહારવટીઆએ પૂછ્યું.

“હું તમારી બોન છું વીરા ! ને તમે આ તમારા કેદીનો દંડ કર્યો છે, એ દંડની કોરીઓ લઈને ચુકવવા આવી છું.”

બહારવટીયા અજાયબ બન્યા: “આ શેઠ તમારે શું થાય બોન ?”