પૃષ્ઠ:Sorathi Baharvatiya-2.pdf/૨૩૮

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
જેસોજી વેજોજી
૨૧૯
 


“મારા માથાના મુગટ. તમે એને જીવતા રાખ્યા, એથી હું તમારાં ઘરવાળાને આશિષ દઉ છું કે ઈશ્વર એના અખંડ ચૂડા રાખે.”

“અખંડ ચૂડા !” બહારવટીયા હસી પડ્યા, “બાર વરસથી તો બોન, રજપૂતાણીયુંના ચૂડા વગર ખંડ્યે ખંડેલા જ છે, હવે આ અખંડ ચૂડાના કોડ રજપૂતાણીયુંને નહિ રહ્યા હોય.”

સાંભળીને સહુ અબોલ બની ગયા.

જેસોજી બોલ્યો : “બોન ! હવે તમે આ ડુંગરામાંથી પધારો. વણારશી શેઠ ! હવે તમે છૂટા છો. અને આ થેલીયું પણ પાછી લઈ જાઓ.”

“કેમ બાપુ !”

“અમારી બોનને કાપડામાં પાછી આપીએ છીએ."

બાઈ બોલી: “ના બાપુ ! તમે રાખો. તમારે જોવે.”

“અમારે નહિ જોવે બેન ! અમારે રૂપાના ખુમચામાં નથી જમવું પડતું. અમારે પાદશાહને પકવાન પિરસીને ક્યાં જમાડવો છે ? તમે પાછું લઈ જાવ. અમારે તો તારી એક કોરી પણ અગરાજ છે બોન !”

વણારશીએ બહારવટીયાના પગની રજ લીધી, હાથ જોડીને કહ્યું “બાપુ ! છું તો વાણીઓ. સ્વાર્થમાં બુડબુડાં છુ. પણ તમારાં બહારવટાનો અંત આણવા માટે મારાથી બનશે એટલું કરીશ.”

“ભાઈ ! વીરા !” શેઠાણી બોલી : “જુનેગઢ આવો ત્યારે બેનની સાર લેજો હો ! અને સાત પાદશાહની પાદશાહી વચ્ચે પણ મારૂં ખોરડું માના પેટ સમું માનજો. તમે મને નવો અવતાર દીધો છે. હું કયે ભવ ઈ કરજ ઉતારીશ !”

“રંગ છે તુંને બોન !”