પૃષ્ઠ:Sorathi Baharvatiya-2.pdf/૨૪

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
જોગીદાસ ખુમાણ
 

ખુમાણોનાં ભાલાં ભાળશે. ઉઠો બાપ ગેલા ! ઉઠો ભાણ ! ઉઠો આપા !”

ત્રણ દીકરા ને ચોથો બુઢો બાપ: ઘોડે ચડી ચાલી નીકળ્યા.

“આપા ! શું કરછ બાપ !” હાદા ખુમાણે કુંડલાની નદીમાં ઉભા રહી ગયેલા પુત્ર જોગીદાસને સાદ કર્યો. જોગીદાસને સહુ 'આપો' કહીને બોલાવતા.

“કાંઈ નહિ બાપુ ! ઈ તે કુંડલા ન કામીએ ત્યાં સુધી નાવલીનું પાણી અગરાજ કરતો આવું છું.”

નાવલીનાં અખંડધારાં નીર: નીલો ઘટાદાર કિનારો: કાંઠે ચરતી ભેંસો: અને કાંબી કડલાં પહેરીને ત્રાંબા-બેડે પાણી ભરતી કણબણો: એને માથે મીટ માંડીને બાપ બેટા ચાલી નીકળ્યા

સંવત અઢાર પંચોતરે
ફળહળીઆ ફરંગાણ;
ધર સોરઠ જોગો ધણી
ખોભળતલ ખુમાણ

[સંવત ૧૮૭૫ માં જે વખતે ફીરંગીઓ(અંગ્રેજો) સોરઠ ધરામાં ઉતર્યા, તે વખતે જોગો ખુમાણ સોરઠની ધરતીને રોકી રાખીને ઉભો રહ્યો હતો.]