પૃષ્ઠ:Sorathi Baharvatiya-2.pdf/૨૫

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.

ફીફાદ ગામને પાદર ઘાટી ઝાડી છે, અને ઝાડીની અંદર ત્રણ ચાર જૂની આંબલીઓની ઘેરી ઘટામાં ધનંતરશા પીરની દરગાહ આવેલી છે. સવાર સાંજ એ સ્થળે લોબાનના ધૂપની એવી ભભક છૂટે છે કે આપોઆપ ખુદાની યાદ જાગે, વિચારો ગેબમાં રમવા માંડે.

એક દિવસ સાંજ નમે છે. બુઢ્ઢો મુંજાવર મુરાદશા એક નળીઆની અંદર દેવતા ભરી તે ઉપર લોબાન ભભરાવી રહ્યો છે, ગામમાંથી હિન્દુઓના ઠાકરની પણ આરતી સંભળાય છે. પીરો અને દેવતાઓને બહાર નીકળવાની વેળા છે.

એવામાં ઓચીંતો એ ઝાડીમાં એક બંદૂકનોને ભડાકો થયો, ધુમાડા નીકળ્યા, અને કીયો ! કીયો ! કીયો ! એવી કારમી કીકીઆરી પાડતો એક રૂપાળો મોરલો ઉડ્યો. ઉડતો ઉડતો, ઉડવાની તે તાકાત નહોતી તેથી અરધો પરધો હવાની ઉપર જ તરતો તરતો મોરલો નીચે ઉતર્યો. અને દરગાહ પર ધૂપ દેતા બુઢ્ઢા મુંઝાવર મુરાદશાહના પહોળા ખેાળામાં પોતાના આખા કલેવરનો ઢગલો કરીને મોરલો ઢળી પડ્યો.

ધોળી ડાઢી ને માથે સેંથેા પાડી ઓળેલા ધેાળા લાંબા વાળવાળો, સફેદ ઘાટાં ભવાં અને સફેદ પાંપણોથી શોભતો,