પૃષ્ઠ:Sorathi Baharvatiya-2.pdf/૨૭

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
સોરઠી બહારવટીયા:૨
 

મોરલાને ગરદન પકડીને ખેંચી લીધો. પ્રાણ વિનાનું દેહપીંજર લઈને શિકારી ચાલી નીકળ્યો.

“ધનંતરશા ! પીર ધનંતરશા ! ઓલીયા ધનંતરશા !” એમ ત્રણ ભયંકર આવાજ દેતો દેતો બુઝર્ગ મુંજાવર પીરની દરગાહ સામે ઘુટણીએ પડીને બેસી ગયો. ઝાડવાંની ચાળણી જેવી ઘટામાંથી આથમતા સૂરજની પચરંગી તડકી એ દરગાહ અને ફકીરને માથે ઢોળાવા લાગી. લોબાનનો ધુપ ગોટેગોટ ધૂમાડા ચડાવીને પીરના થાનકની ચોપાસ ઝાડવાને પાંદડે પાંદડે છવાઈ ગયો. દરગાહનો ઓટો મુંજાવરના અવાજથી થરથરી ઉઠ્યો. પીર જાણે પોતાની સફેદ સોડ્ય નીચે સળવળવા લાગ્યા હોય તેમ પવનમાં કફન ફરકી ઉઠ્યું. અને આંસુડે નીતરતી આંખો મીંચીને મુજાવરે ત્રાડ દીધી કે “ઓ પીર ! આજ રમજાન મહિનાની ખુદાઈ સાંજને ટાણે, તારા દુલ્દુલ મોતીયાનું શાક કરીને ખાનાર નાપાક ઇન્સાન ઉપર મારી કળકળતી આંતરડીની કદુવા પુકારૂં છું. ઓ બાપ ! કે મોરલો એના પેટમાં જ હોય ત્યાં જ જો ખુમાણોનાં ભાલાં એ માંસ ખાનારના પેટમાં પરોવાઈ ન જાય. તો હું ફકીર નહિ, તું પીર નહિ, ને આસમાનમાં અલ્લા નહિ !”

એવો શાપ ઉચ્ચારીને મુંજાવરે ઓટાના પત્થર ઉપર પોતાના બન્ને પંજા પછાડ્યા. પછાડવાની સાથે જ એનાં દસે દસ આંગળાંના જીવતા નખ નીકળી પડ્યા. દસે આંગળીનાં ટેરવામાંથી લાલચોળ લોહીની ધારાઓ વહીને પીરની દરગાહ પર દડ ! દડ ! દડ ! દડ ! પડવા લાગી. પચાસ સંધી સીપાહીઓ, ઝાડવાના ઝુંડમાં થંભી જઈને આ કદુવા સાંભળી રહ્યા ને એ કમકમાટી ભરેલો દેખાવ સંધ્યાનાં અંધારાં-અજવાળાંમાં નિહાળી રહ્યા. સંધ્યા જાણે ગમગીન બની ગઈ. અંધારાં ઘેરાવા લાગ્યાં તો પણ મુરાદશા દરગાહની સામે સૂનસાન બનીને ઘુંટણભર બેઠો જ રહ્યો. થોડીવારે અંધારામાં જાણે ગેબની મશાલો પ્રગટ થઈ. ઘોડા ઉપર ચડીને જાણે કોઈ દૈવી-સવારી ઝાડની ઘટામાં