પૃષ્ઠ:Sorathi Baharvatiya-2.pdf/૩૨

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
જોગીદાસ ખુમાણ
૧૩
 

ઠાકોર વજેસંગજી અફસોસ કરી રહ્યા છે :

“ઓહોહો ! ખુમાણોએ મારૂ ઢીમ ઢાળી દીધું : આણંદજી દિવાનને મારી પાડ્યા ! આવો નાગર ફરી નહિ મળે.”

“ફિકર નહિ બાપુ, આણંદજીની કાયા તો ભાવનગરની બાજરીને કણે કણે બંધાણી'તી ને ? અને ટાણું આવ્યે તો લેખે ચડી જ જાવું જેવે ?”

“શી રીતે વાત બની ?”

“બાપુ, આણંદજી ભાઈ તો મહુવે એના બાપનું શ્રાદ્ધ સારવા બેઠા હતા. ઘેરે મહેમાનોનું જૂથ ક્યાંય માતું નો'તું, એમાં વાવડ સાંભળ્યા કે બહારવટીયા ભાણગાળામાં પડ્યા છે. શ્રાદ્ધ અધૂરું મેલીને ઉઠ્યા. ભાણગાળેથી બહારવટીયાને ભગાડીને આણંદજી ભાઈએ ઝપટમાં લીધા. ખેરાળીના ડુંગરાની અંદર હરખાવદરના ગાળામાં ભેટંભેટા થઈ ગયા. એક આણંદજી ભાઈ ને બીજો સૈયદ બાગ:. એક નાગર ને બીજો આરબઃ બેય જણા નીમકની રમત રમી જાણ્યા બાપુ ! આણંદજી ભાઈને ઝાટકે ને સૈયદ બાગાને જમૈયે કાઠીનું ખળું કરી નાખ્યું. અંતે જોગીદાસને ભત્રીજે ચાંપે ખુમાણે આણંદજી ભાઈને બરછીએ પરોવી લીધા, સૈયદ બાગાને ડીલે પણ પૂરા બત્રીસ ઘા પડ્યા. ખુમાણો તો એ બેને જ ઢાળીને ભાગી છૂટ્યા.”

“ઠીક, જેવી મા ખોડીયારની મરજી ! રાજ તરફથી આણંદજી દિવાનના માથા સાટે એના કુટુંબને ત્રણ ગામ આજથી “જાવચ્ચંદર દીવાકરૌ” માંડી આપુ છું : વીસળીયું, વડલી, ને લુવારા.”

આખી કચારીના એકેએક માણસને ઠાકોર વજેસંગના માથા ઉપરથી ઓળધોળ થઈ જવાના ઉમળકા આવ્યા.

“અને સૈયદ બાગાનું શું થયું ?" ઠાકોરે સવાલ કર્યો.