પૃષ્ઠ:Sorathi Baharvatiya-2.pdf/૩૬

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
જોગીદાસ ખુમાણ
૧૭
 

“શું થયું આપા ?”

“મહારાજ વજેસંગનો કુંવર *[૧]દાદભા ગુજરી ગયા.”

“અરરર ! દાદભા જેવો દીકરો ઝડપાઈ ગયો ? શું થયું ? ઓચીંતાનો કાળ ક્યાંથી આવ્યો ?”

“ભાવનગરની શેરીએ શેરીએ ભમીને મેં કાનોકાન વાત સાંભળી કે શિહોરથી દશેરાને દિ' નાનલબા રાણીએ કુંવરને ભાવનગર દરિયો પૂજવા બોલાવ્યા, અને કુંવર દરિયો પૂજીને પાછા વળ્યા ત્યારે નાનલબાએ મંત્રેલ અડદને દાણે વધાવીને કાંઇક કામણ કર્યું : કુંવરનું માથું ફાટવા માંડ્યું. શિહોર ભેળા થયા ત્યાં તો જીભ ઝલાઈ ગઈ ને દમ નીકળી ગયો.”

“કોપ થયો. મહારાજને માથે આધેડ અવસ્થાએ વીજળી પડ્યા જેવું થયું આપા !”

“વીજળી પડ્યાની તો શું વાત કરૂં બાપુ ! શિહોર ભાવનગરની શેરીએ શેરીએ છાતીફાટ વિલાપ થાય છે. વસ્તીના ઘરેઘરમાં પચીસ વરસનો જુવાન જોદ્ધો મરી ગયો હોય એવો કળેળાટ થાય છે.”

“આપા ! બાપ ! દાદભાની દેઈ પડે એનું સનાન તો આપણને ય આવ્યું કે'વાય. આપણે ના'વું જોવે.”

સહુ બહારવટીયાઓએ ફાળીયાં પહેરીને નદીમાં માથાબોળ સ્નાન કર્યું. પછી જુવાન જોગીદાસે વાત ઉચ્ચારી:

“બાપુ ! એક વાત પૂછું ?”

“ભલેં બાપ !”

“આપણે મહારાજના મોઢા સુધી ખરખરે ન જઇ આવવું જોવે ?”


  1. * તારીખો મેળવતાં જણાય છે કે આ મૃત્યુ પ્રસંગ કુંવર દાદભાનો નહિ પણ એથી નાનેરા કુંવર કેસરીસિંહનો હોવો જોઈએ.