પૃષ્ઠ:Sorathi Baharvatiya-2.pdf/૩૮

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
જોગીસદાસ ખુમાણ
૧૯
 

તેમ જોવા લાગ્યા. સહુએ પોતપોતાની તરવાર સંભાળી. અને આંહી બહારવટીયાએ પછેડી ખસેડીને પોતાનું પ્રતાપી મ્હોં ખુલ્લું કર્યું . બહારવટીઓ એટલું જ બોલ્યો કે “ભલો વરત્યો રાજ !”

“વરતું કેમ નહિ જોગીદાસ ખુમાણ ! કાઠીયાવાડમાં તો તારૂં ગળું ક્યાં અજાણ્યું છે ? પાંચસો આદમી વચ્ચે તારા હાકોટા પરખાય, તો પછી તારા વિલાપ કેમ ન વરતાય ?”

બહારવટીયો ! બહારવટીયો ! બહારવટીયો ! એમ હાકોટા થવા લાગ્યા. સહુને લાગ્યું કે હમણાં જોગીદાસ મહારાજને મારી પાડશે. તલવારોની મૂઠે સહુના હાથ ગયા. ત્યાં તો ઠાકોરનો હાથ ઉંચો થયો. એણે સાદ દીધો કે “રાજપૂતો ! આજ જોગીદાસભાઈ બાઝવા નથી આવ્યા, દીકરો ફાટી પડ્યો છે એને અફસેાસે આવ્યા છે. મારા ગરાસમાં નહિ પણ મારા દુ:ખમાં ભાગ લેવા આવ્યા છે.”

મહારાજ ગળગળા થયા. જોગીદાસની આંખોમાં પણ જળજળીયાં આવ્યાં. માણસોએ અરધી ખેંચેલી તલવારો મ્યાન કરતાં કરતા અગાઉ કદિ ન જોયેલું ને સાંભળેલું એવું નજરે દીઠું. મહારાજ બોલ્યા “ જોગીદાસ, બ્હીશો મા હો !”

“બ્હીતો હોત તો આવત શા માટે રાજ ?”

સહુ દાયરાની સાથે ખાઈ પી, મહારાજને રામરામ કરી પાછા જોગીદાસ ચડી નીકળ્યા. બહારવટીયાને નજરે જોઈ લેવા શિહોરની બજારે થોકેથોક માણસ હલક્યું હતું. બહારવટીયાના ચ્હેરા મ્હોરા જેણે કદિ દીઠા નહોતા તેણે તો ખુમાણોને દૈત્ય જ કલ્પેલા હતા. પણ તે ટાણે લોકોએ જુવાન જોગીદાસનું જતિસ્વરૂપ આંખો ભરીભરીને પી લીધું. આવા તપસ્વી પુરૂષ નિર્દોષ કણબીઓનાં માથાં વાઢી વાઢીને સાંતીડે ટીંગાડતો હશે, ને એના ધડનાં ધીંસરાં કરીને ઢાંઢાને ગામ ભણી હાંકી મેલી