પૃષ્ઠ:Sorathi Baharvatiya-2.pdf/૩૯

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૦
સોરઠી બહારવટીયા:૨
 

રાજ્યની સોના સરખી સીમ ઉજ્જડ કરી મેલતો હશે; એ વાત ઘડીભર તો ન મનાય તેવી લાગી.

ગટાટોપ મેદની વચ્ચે થઈને કોઈની પણ સામે નજર કર્યા વિના બહારવટીયો ચાલ્યો ગયો. જુવાન જોગીદાસની નજર જાણે દુનિયા કરતાં પાતાળની અંદર વધુ પડતી હોય તેમ એ તે એકધ્યાની યોગીની માફક નીચે જ આંખો નોંધીને નીકળી ગયો.

અનેક બાઈઓના મ્હોંમાંથી અહોભાવનું વેણ નીકળી પડ્યું કે “સાચો લખમણજતિનો અવતાર !”


મીતીઆળાના કિલ્લામાં ત્રણે ભાઈઓ મસલત કરે છે:

“ભાઈ ગેલા ખુમાણ !” જોગીદાસે મોટા ભાઈને પૂછ્યું.

“હાં આપા."

“આપણે ત્રણે જણા બારવટે ભાટકીએ છીએ, પણ બાપુ એકલા થઈ પડ્યા. પંચાણું વરસની આખી આવરદા ધીંગાણે ગઈ: એટલે એકલા રે'વું ગોઠે કેમ ? એની ચાકરી કોણ કરે ?”

“ત્યારે શું કરવું આપા ?”

“બીજું શું ? બાપુને પરણાવીએ.”

“ઠેકાણું તપાસ્યું છે ?”

“હા, ધૂધરાળે જેબલીયા કાઠીની એક દીકરી છે.”

“પણ નવી માને દીકરા થાશે તો ?"

“તો તેની ચિંતા શી ? બાપના દીકરાથી વધુ રુડું શું ?"