પૃષ્ઠ:Sorathi Baharvatiya-2.pdf/૪૩

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૪
સોરઠી બહારવટીયા:૨
 

સાંકળ ઉલાળી : પણ એ જુવાનડી તો જળો જેવી ચોંટી જ પડી. આપા જોઈ રહ્યા, આપાની તો અચરજનો પાર જ ન રહ્યો. “હાં ! હાં ! હાં ! અરે બાઈ ! બોન ! બાપ ! મેલ્ય, મેલ્ય, મેલી દે! નીકર ઘોડી વગાડી દેશે.” એમ આપો વિનવવા લાગ્યો.

“નહિ મેલું ! આજ તો નહિ મેલું, જોગીદાસ !”

“અરે પણ શું કામ છે તારે ? કોઈ પાપીઆ તારી વાંસે પડ્યા છે ? તારો ધણી સંતાપે છે ? શું છે ? છેટે રહીને વાત કર. હું તારૂં દુઃખ ટાળ્યા પહેલાં આંહીથી ડગલું યે નહિ ભરું. તું બ્હી મા. ઘોડીને મેલી દે, અને ઝટ તારી વાત કહી દે.”

“આજ તો તમને નહિ છોડું જોગીદાસ ! ઘણા દિ'થી ગોતતી'તી.”

“પણ તું છે કોણ ?”

“હુ સુતારની દીકરી છું : કુંવારી છું.”

“કેમ કુંવારી છો બાપ ? પરણાવવાના પૈસા શું તારા બાપ પાસે નથી ? તો હું આપું. તું ય મારી કમરી બાઈ-”

“જોગીદાસ ખુમાણ ! બોલો મા. મારી આશા ભાંગો મા. હું તમારા શુરાતનને માથે ઓળઘોળ થઈ જવા, મારી જાત્ય ભાત્ય પણ મેલી દેવા ભટકું છું, આમ જુવો જોગીદાસ, આ માથાના મેવાળા કોરા રાખવાનું નીમ લઈને ભમું છું. આજ તું મળ્યે–”

“અરે મેલ્ય, મેલ્ય મળવા વાળી ! તું તો મારી દીકરી. કમરી કેવા ! ”

આટલું બોલી, પોતાના ભાલાની બુડી એ જોબનભરી સુતારણના હાથ ઉપર મારી, ઘોડીની વાઘ ડોંચી, આપા જોગીદાસે ઘોડી દોટાવી મેલી. પાછું વાળી ન જોયું, પછી સાંજરે બેરખાના પાર પડતા મેલતા મેલતા સુરજનો જા૫ કરતા'તા, ત્યારે ભેળા હોઠ ફફડાવીને બોલતા જાતા'તા કે “હે બાપ ! મારૂં રૂપ