પૃષ્ઠ:Sorathi Baharvatiya-2.pdf/૫૧

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૩૨
સોરઠી બહારવટીયા:૨
 

“પહેલા કુંડલા; પછી બીજું ખપે. કુંડલા મળ્યા મોર્ય તો નાવલીનું પાણી ન ખપે મહારાજ.”

“આપા ! છ નહિ - સાત માગો. આઠ માગો. પણ કુંડલાની વાત પડતી મેલો ”

“મહારાજ છને બદલે ભલે પાંચ આપો, પણ કુંડલા તો પહેલા.”

“એ ન બને આપા !”

“તો રામરામ ઠાકોર !”

ભાણ જોગીદાસ ચડી નીકળ્યા. ભાણની રોમરાઈ અવળી થઈ ગઈ હતી. મરૂં કે મારૂં ! મરૂં કે મારૂં ! એમ એને થતું હતું. નાવલીની બજારમાં નીકળતાં જ ભાણ ખુમાણે સીરબંધી સિપાહીઓ ઉપર ઝાટકા ચોડવા માંડ્યા. દોડીને જોગીદાસે ભાઈને ઝાલી લીધો: “હાં ! હાં ! ભાણ! સામી તેગ ખેંચે તેને જ મરાય. બાપડા નિર્દોષને માથે આ તું શું કરી રહ્યો છે ?”

ગોખમાં ઉભેલા ઠાકોર ભાણની આ અકોણાઈ જોતા હતા. એણે પોતાના સીરબંધીઓને ત્યાંથી હાકલ કરી: “ખબરદાર ! બહારવટીઆને કોઈ આજ સામે ઘા ન કરજો. ભલે આપણાં સો ખૂન થઈ જાય."

“જોયું ભાણ ! આ ઠાકોર વજેસંગ !”

બહારવટીયા ચાલી નીકળ્યા.

કારજના પ્રસંગ વિષે બીજી વાત આમ બોલાય છે:

જેતપુર શહેરથી દરબાર મુળુવાળાને તેડાવવામાં આવ્યા. ત્રણે પરજની કાઠ્યમાં મૂળુવાળાનો મોભો ઉંચેરો ગણાતો. એનું વેણ ઝટ દઈને કોઈથી લોપાતું નહિ. એજન્સી સરકારની પાસે પણ સહુ કાઠીઓની ઢાલ થઈને ઉભા રહેનાર મૂળુવાળો હતો. એને બોલાવીને કળાબાજ મહારાજે કહ્યું “મુળુભાઈ, હાદા ખુમાણ જેવો કાઠી પડ્યો.