પૃષ્ઠ:Sorathi Baharvatiya-2.pdf/૫૩

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૩૪
સોરઠી બહારવટીયા:૨
 

રહેલ છે. મહુવાથી જાફ્રાબાદ સુધીનો દરિયા-કિનારો પણ એ ઘોડાંના ડાબલા નીચે કંપવા લાગ્યો છે. બંદરે બંદરે ભાવનગર રાજનો વેપાર બંધ કરાવી દીધો છે.

મારગ જે મુંબઈ તણે જળબેડાં નો જાય,
શેલે સમદર માંય જહાજ જોગીદાસનાં.

[મુંબઈ નગરને જળમાર્ગે જ્હાજો જઈ શકતાં નથી. કેમકે જોગીદાસનાં વહાણ એની ચોકી કરતાં સમુદ્રમાં તરી રહ્યાં છે.]

એવે એક દિવસ જોગીદાસ વરતેજ ગામ માથે પડ્યા, વરતેજની બજાર લૂંટીને નાસી છૂટ્યા, અને ઠાકોર વજેસંગ નજીકમાં શિહોર ગામે જ હતા ત્યાં એને ખબર પડી. ઠાકોરને અંગે ઝાળ ઉપડી ગઈ.

“આજ તો કાં હું નહિ, ને કાં જોગીદાસ નહિ. ”

એવા સોગંદ લઈને ઠાકોર ઉભા થયા. હાથીએ ચડ્યા. સૈન્ય લઈને જોગીદાસને સગડે ચાલ્યા. ચારે દિશાએથી ઠાકોરની ફોજ બહારવટીયાના કેડા રૂંધવા લાગી. અને આજ તો લાખ વાતે પણ જોગીદાસ હેમખેમ નહિ નીકળવા પામે એવી હાક આખા પ્રાંતમાં વાગી ઉઠી. મુંઝાએલ જોગીદાસ જે દિશામાં જાય છે તે દિશામાં પોતાના કાળદૂત ઉભેલા હોવાના સમાચાર સાંભળી પાછા વળે છે. ક્યાં જવું તે કાંઈ સૂઝતું નથી. અને પાછળ ઠાકોરની સવારીની ડમરીઓ આસમાનને ધૂંધળો બનાવતી આવે છે.

એવી હાલતમાં જોગીદાસ ભંડારીયા ગામને પાદર નીકળ્યા. જોગાનુજોગે પાદરમાં જ એક પુરૂષ ઉભો છે. ઘોડી પાદરમાં ઉતરતાંની વારજ બેય જણાએ અન્યોન્યને ઓળખી લીધા.

“ભીમ પાંચાળીઆ રામ રામ !”

“ઓહોહોહો ! મારો બાપ ! જોગીદાસ ખુમાણ !” એટલું કહી, બે હાથનાં વારણાં લઈને ભીમ પાંચાળીઆ નામના ચારણે બહારવટીયાને બિરદાવ્યો: