પૃષ્ઠ:Sorathi Baharvatiya-2.pdf/૫૪

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
જોગીદાસ ખુમાણ
૩૫
 

ફુંકે ટોપી ફેરવે, વાદી છાંડે વાદ;
નાવે કંડીએ નાગ ઝાંઝડ જોગીદાસીયો !

[હે જોગીદાસ, વજેસંગ જેવો વાદી મોરલી બજાવીને બીજા ઘણા પણ રાજા રૂપી સર્પોને પોતાના કરંડીયામાં પકડી પાડે છે પરંતુ એક તું ફણીધર જ એની મોરલીના નાદ પર ન મોહાયો. તે તો ફુંફાડા મારીને એ વાદીની ટોપી જ ઉડાડી નાખી.]

“ભીમ પાંચાળીઆ ! આજ એ દુહો ખેાટો પડે તેમ છે. આજ તમારો ઝાંઝડ જોગીદાસીઓ કરંડીઓ પકડાઈ જાય તેમ છે. માટે રામ રામ ! આજ રોકાઈએ એવું રહ્યું નથી.”

દોટ કાઢીને ભીમ પાંચાળીઆએ જોગીદાસની ઘોડીની વાઘ ઝાલી લીધી. અને બેાલ્યો “એમ તે ક્યાં જઈશ બાપ ? તો પછેં ભંડારીયાને પાદર નીકળવું નો'તું. રોટલા ખાધા વિના જઈશ તો તો ચારણને મરવું જ પડશે ?”

“હાં હાં, ભીમ પાંચાળીઆ, મેલી દ્યો, આજ તો ઉલટું રોટલા ખવરાવ્યે મરવું પડશે.”

“પણ શું છે એવડું બધું ?”

“વાંસે ઠાકોર વજેસંગજી છે, ને ચોગરદમ અમારી દૃશ્યું રૂંધાઈ ગઈ છે. હમણાં વેરી ભેટ્યા સમજો.”

“હવે ભેટ્યાં ભેટ્યાં વેરીઓ ! જોગીદાસ શીરામણ કરીને નીકળી ન જાય ત્યાં સુધી ઠાકોર વજેસંગે ભંડારીઆને સીમાડે ઉભા થઈ રહેવું પડે, મારા બાપ ! મુંઝાઓછો શીદ ? ઉતરો ઘોડીએથી. ખાધા વિના હાલવા નહિ દઉં.”

જોગીદાસ અચકાય છે.

“અરે બાપ ! કહું છું કે તારુ રૂંવાડુ ય ખાંડુ ન થાવા દઉં. એલા ઝટ આપણે ખોરડે ખબર દ્યો કે ઉભાં ઉભાં રોટલા શાક તૈયાર થઈ જાય ને ભેંસું દોવાઈ જાય. ત્યાં હું હમણાં મહારાજને સીમાડે રોકીને આવી પોગું છું.”