પૃષ્ઠ:Sorathi Baharvatiya-2.pdf/૫૫

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૩૬
સોરઠી બહારવટીયા:૨
 


જમવાની વરધી આપીને ચારણ ભંડારીઆને સીમાડે ઠાકોર વજેસંગજીની સામે ચાલ્યા. હાથીની રૂપેરી અંબાડી ઉપર રૂદ્ર સ્વરૂપે બેઠેલ ઠાકોરને છેટેથી વારણાં લઈને બિરદાવ્યા કે

કડકે જમીનું પીઠ, વેમંડ પડ ધડકે વજા !
નાળ્યું છલક નત્રીઠ, ધૂબાકે પેરંભાના ધણી !

[હે વજેસંગજી ! હે પેરંભ બેટના ધણી ! તારે ઘેરે તો એટલી બધી તોપો છલકે છે, કે એના અવાજથી પૃથ્વીની પીઠ કડાકા કરે છે અને વ્યોમનાં (આકાશનાં) પડ ધડકી જાય છે.]

“ખમા ગંગાજળીયા ગોહેલને ! બાપ અટાણે શીદ ભણી ?”

“ભીમ પાંચાળીઆ, જોગીદાસની વાંસે નીકળ્યા છીએ.”

“જોગીદાસ તો મારા ખોળામાં છે બાપા ! તમે શીદ ધોડ કરો છો ?"

“ભીમ પાંચાળીઆ, આજ તો મેં પ્રતિજ્ઞા કરી છે કે કાં હું નહિ, કાં જોગીદાસ નહિ.”

“પણ બાપા ! ત્રણ દિવસનો ભૂખ્યો જોગીદાસ અટાણે એક ટંક મારે આંગણે બટકુ શીરામણી સારૂ ઉતર્યો છે. હું હાથ જોડીને કહેવા આવ્યો છું કે કાં તો તમે ય શીરામણ કરવા હાલો, ને કાં જોગીદાસ શીરાવીને ચડી જાય ત્યાં સુધી થોડીક વાર સીમાડે જ હાથીએથી ઉતરીને જરાક આંટા મારો."

“ભીમ પાંચાળીઆ ! તમે મારા શત્રુને આશરો દીધો ?”

“એમ ગણો તો એમ. પણ ઈ તો ગાએ રતન ગળ્યું કહેવાય ને બાપા ! હું તો ગા'છુ. મારૂં પેટ ચીરવા કાંઈ હિન્દુનો દીકરો હાલશે ? અને આ તો જોગીદાસ જેવો પરોણો પરોણો શું ગોહિલને ઘરેથી ભૂખ્યે પેટે જાય ! ને પછી કયાં પકડાતો નથી ? ભાવેણાના મહારાજને તો હજારૂં હાથ છે, બાપા !”