પૃષ્ઠ:Sorathi Baharvatiya-2.pdf/૫૬

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
જોગીદાસ ખુમાણ
૩૭
 


ઠાકોર વિચારમાં પડી ગયા. થોડોક ગુસ્સો ઉતરી ગયો.

“પરોણો ગોહિલને આંગણેથી ભૂખ્યો જાય ?” એટલું જ વેણ એમના અંતરમાં રમી રહ્યું.

“ઉતરો, ઉતરો હેઠા બાપા !” ચારણે ફરીવાર આજીજી કરી.

“ભીમ પાંચાળીયા !” મહારાજનો બોઘો કામદાર સાથે હતો, તેણે તપી જઈને વચન કાઢ્યું, “જો હાથીએ ચડ્યા મહારાજ હેઠા ઉતરે તો તો મહારાજની માએ ધુળ ખાધી કહેવાય, ખબર છે કે ?”

“બેાઘા કામદાર !” કોચવાયેલા ચારણના મ્હોંમાંથી વેણ વછૂટી ગયું, “મહારાજની માએ તો એને દૂધ પીને જણ્યા છે, બાકી તો વાણીઆ બ્રાહ્મણની માને અનાજ વીણતાં વીણતાં ધુળની ઢફલી હાથમાં આવે તો મ્હોંમાં મૂકવાની ટેવ હોય છે ખરી !”

ચારણનું મર્મ-વચન સાંભળીને ઠાકોરનું મ્હોં મલકી ગયું. બોઘા કામદારને તો બીજો શબ્દ ઉચ્ચારવાની હિંમત રહી જ નહિ; અને મહારાજે હસીને કહ્યું કે “ભીમ પાંચાળીયા ! જાઓ, આજ તો તમે તમારો નહિ પણ ભાવનગર રાજનો અતિથિ-ધર્મ પાળ્યો છે. એટલે હું મારી પ્રતિજ્ઞા તોડીને પણ પાછો વળું છું. મારવાની પ્રતિજ્ઞા કરતાં મહેમાનગતિનો ધર્મ ઘણો મોટો છે. જાઓ, હું આજ જોગીદાસને જાવા દઉં છું."

ઠાકોર હાથ વાળીને શિહોરને માર્ગે ચાલી નીકળ્યા.