પૃષ્ઠ:Sorathi Baharvatiya-2.pdf/૫૮

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
જોગીદાસ ખુમાણ
૩૯
 

માર્ગે ઓડા બાંધીને સંતાઈ રહ્યા છે. રણવગડામાં નાચ કરતી કોઈ અપસરા સરીખું હીંગળોકીયા રંગનું ઓઝણું ચાલ્યું આવે છે. સંધ્યાની રૂંઝયો રડી ગઈ છે. ચારે છેડે સૂરજ આથમવાનું ટાણું થઈ ગયું તે વખતે બરાબર ઓચીંતો છાપો મારીને રાધા ચાવડાના અસવારોએ નાનીબાનાકૈક અસવારોને બરછીથી પરોવી લીધા, કૈક ભાગ્યા, થોડાકને બાંધી લીધા અને રાધડે હાકલ કરી કે “બાઈ, ધરેણાંની પેટી બહાર ફગાવી દેજે.”

થરથર કાંપતે સૂરે નાનીબાએ પૂછ્યું કે “ તમે કોણ છો બાપ ?”

“જોગીદાસ ખુમાણના માણસો.”

“અરરર ! જોગીદાસ ભાઈ અસ્ત્રીયું ને લુંટે ખરા ? જોગીદાસ અખાજ ખાય ? "

“હા હા, ભૂખ્યે પેટે અખાજે ય ભાવે દાગીના લાવો.”

“અખાજ ભાવે ? ભૂખ્યા તોય સાવઝ ! ઈ તરણાં જમે ?”

“કાઢી નાખો, ઝટ ઘરાણાં, વાદ પછી કરજો !”

આટલી વાત થાય છે તેવામાં કોણ જાણે શી દેવગતિ બની કે ચાળીસ ઘોડાંની પડઘીઓ ગાજી અને છેટેથી ત્રાડ સંભળાણી કે “કોણ છે એ ?”

“કોણ જોગીદાસ ખુમાણ ! હાલ્યો આવ. ભારે તાકડો થયો.” રાધે અવાજ પારખ્યો.

“તું કોણ ?”

“હું રાધો ચાવડો.”

“રાધડા ! અટાણે અંધારે શું છે ? કોની હારે વડચડ કરી રહ્યો છે ?”

“આપા જોગીદાસ ખુમાણ ! હાલ્ય હાલ્ય, ઝટ હાલ્ય, આપણો બેયનો ભાગ. પેટી ભરીને ઘરાણાં.”

“પણ કોણ છે ?”