પૃષ્ઠ:Sorathi Baharvatiya-2.pdf/૬

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
નિવેદન : બીજી આવૃત્તિ

આ બીજા ભાગને પણ ધારણા મુજબનો ઉદાર સત્કાર મળ્યો નિહાળીને સોરઠી સાહિત્યનાં પ્રેમીજનો પ્રતિ હું કૃતાર્થતાની લાગણી અનુભવું છું.

નવી આવૃત્તિમાં બે નવાં તત્ત્વો ઉમેરાયા છે : એક તો એ કે બહારવટાંની ઝીણી ઝીણી તવારીખના કેટલાક જાણભેદુ ભાઈઓ તરફથી કદિ નહોતી ધારી તેવી લાક્ષણિક અને વિશ્વસનીય હકીકતો હાથ લાગી છે. એ વાતો ખાસ કરીને જોધા-મૂળુના બહારવટાને લગતી છે. આપનાર ભાઈઓનાં નામો જાહેર કર્યા વગર તેઓનો આભાર માનું છું અને જાહેર પ્રજાને વિનવું છું કે હજુ જે જે વાતો રહી જતી હોય તે નિ:સંકોચે મને મોકલે. તેઓ પ્રગટ થવા ન ઇચ્છે એ વસ્તુ સમજાય છે. હું ખાત્રી આપું છું કે તેઓનાં નામ અપ્રકટ જ રહેશે, બાકી તો એવા જાણકારોની સહાય વગર આ ઇતિહાસ સંઘરી શકાય તેવું નથી, ને જેટલી વાતો એ જાણકારોની જોડે જ મૃત્યુ પામી જશે, તેટલી હમેશાંને માટે અપ્રાપ્ય બનશે. એ વાતનું દુ:ખ મારા જેવા અનેકને અત્યંત ઉંડું રહેશે.

બીજું નવું ઉમેરણ તે કેટલાંક ખાસ તૈયાર કરાવેલાં લાક્ષણિક ચિત્રોનું છે. એ ચિત્રો-મનુષ્યોનાં અને સ્થળોનાં- કાલ્પનિક જ છે. ચિત્રકાર મિત્રે કથાનું વાતાવરણ અનુભવી કાઠીઆવાડ વિષેના પોતાના નિરીક્ષણને આધારે એ આલેખ્યાં છે. વાચકોની સમજશક્તિને એથી અવલમ્બન મળશે.


સૌરાષ્ટ સાહિત્ય મંદિર
રાણપૂર : તા. ૧૩:૪:'૨૯
સંપાદક
}