પૃષ્ઠ:Sorathi Baharvatiya-2.pdf/૬૪

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
જોગીદાસ ખુમાણ
૪૫
 


પાસે આવી. પંદર વર્ષની જુવાનડી પૂરેપૂરી વરતાણી. માથે ભાતીગળ ચુંદડી : ભરતમાં ઢંકાઈ ગયેલ કાપડાનાં અને પેરણાનાં આભલાં ઝગમગીને જાણે પ્રકાશની જાળી પાથરે છે : ડોકમાં દાણીયું ને ઝરમર : હાથમાં ચાર ચાર તસુની હેમની ચીપો મઢેલ બલોયાં, ગુજરી ને ઠૈયા : પગમાં કડલાં ને કાંબી : આંગળીએ અણવટ ને વીંછીઆ : કપાળે દામણી : આંખડીમાં કાજળ : સેંથે હીંગળો પૂરેલો : એવી ફુલગુલાબી મ્હોંવાળી, ચાર ભેંસોની છાશ ફેરવનારા ધીંગા હાથવાળી, રૂપાળી કણબણ આવી. આવનારીના હૈયામાં શ્વાસ માતો નથી.

“એ બાપુ ! મારશો મા ! એને મારશો મા !”

“કોણ છે ઈ ? ” બહારવટીઆએ હાકલ દીધી.

“બાપા ! આ મારો વર થાય છે. હજી હમણાં જ હું આણું વળીને આવું છું. એને મારશો મા ! અમારી જોડલી ખંડશો મા ! કહો તો આ મારો એકોએક દાગીનો ઉતારી દઉં.”

“કાઢ્ય, સટ કાઢ્ય ! ” કહીને જોગીદાસ બાઈ તરફ ફર્યો. એની સામે ખેાઈ ધરી. બહારવટીયો પોતાનું બિરદ ચૂકી ગયો. સ્ત્રીને શરીરેથી કાંઈ ન ઉતરાવાય એ વાતનું ઓસાણ આ સુંડલો એક દાગીના દેખીને જોગીદાસને ન રહ્યું. એનું દિલ ચળી ગયું. એને ભાન જ ન રહ્યું કે પોતાને જોગી થઈને રહેવું છે.

કણબણ પોતાની કાયાને અડવી કરવા લાગી. ટપોટપ ટપોટપ દાગીના જોગીદાસની ખોઈમાં પડવા લાગ્યા. ને છતાં ય રાઠોડ ધાધલની ચકર ચકર ફરતી બરછી જુવાનની છાતી સામી તોળાઈ રહી છે. જુવાનની આંખો ઘડીક રાઠોડ ધાધલ તરફ, ઘડીક જોગીદાસ તરફ, ને ઘડીક પોતાની સ્ત્રી તરફ ડોળા ફેરવતી જાય છે. ને ઘરાણું કાઢતી કાઢતી કણબણ ફોસલાવી રહી છે કે “બાપુ, એને હવે મારશે મા હો ! હું તમને આ