પૃષ્ઠ:Sorathi Baharvatiya-2.pdf/૬૫

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૪૬
સોરઠી બહારવટીયા:૨
 

તમામ દાગીના ઉતારી દઈશ. અને બાપુ ! તમારે વધુ જોતા હશે તે ઘેરે જઈને મારા પટારામાંથી કાઢી લાવીશ. મારા પીયરમાં બહુ સારૂં છે ને, તે મને ઘણો ય મેાટો કરીયાવર કર્યો છે, અને ઈ બધાને મારે શું કરવું છે બાપુ ! મારા...

એટલું વેણ અધુરૂં રહ્યું, અને રાઠોડ ધાધલના હાથમાંથી બરછી છૂટી. કેમ કરતાં છૂટી ? રાઠોડ ધાધલને પોતાને પણ એ વાતની સરત ન રહી. બરછી છૂટી. જુવાનની પહોળી, લોહીછલકતી છાતીમાં પડી, આરપાર નીકળી. જુવાન ધરતી પર પટકાઈ ગયો. બેય બાજુએ લોહીની ધારો મંડાણી. તરફડ ! તરફડ ! કણબી તરફડવા લાગ્યો.

“અરરર !” જોગીદાસના મ્હોંમાંથી અરેરાટી નીકળી ગઈ. એની ખોઈ હાથમાંથી વછૂટી પડી. જમીન પર દાગીનાનો ઢગલો થયો.

ફાટી આંખે બેય જણા જોઈ રહ્યા.

કણબણની બે કાળી કાળી આંખો તાકી રહી. જાણે હમણાં ડોળા નીકળી પડશે ! એનું આખું અંગ કાંપી ઉઠ્યું. મરતો જુવાન એની સામે મીટ માંડી રહ્યો છે.

બાઈએ ધણીની કોદાળી ઉપાડી. ધડુસ ધડુસ પોતાના માથા પર ઝીંકવા માંડ્યું. માથામાંથી લોહીના રેગાડા છૂટ્યા. મોવાળાની લટો ભીંજાણી. મોઢું રંગાઈ ગયું.

“કેર કર્યો ! કાળો ગજબ કર્યો ! રાઠોડ ! કમતીયા ! કાળમુખા ! કેર કર્યો ! ” જોગીદાસ પોકારી ઉઠ્યો.

“કેર કર્યો ! અરરર !” રાઠોડ ધાધલના મ્હોંમાંથી પડઘો નીકળ્યો.

“રાઠોડ ! તારૂ આવું જ મોત થાજો ! તુંને ટીપુ પાણી ન મળજો !” જોગીદાસે શાપ ઉચ્ચાર્યો.