પૃષ્ઠ:Sorathi Baharvatiya-2.pdf/૬૯

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૫૦
સોરઠી બહારવટીયા:૨
 
૧ર

ગામનું નામ ?” બરછીની ચકચકતી અણી નોંધીને સામેનું ગામડું બતાવતા બહારવટીઆએ પોતાના સાથીઓને ચાલતે ઘોડે પ્રશ્ન પૂછ્યો.

“ઈ ગામ બેડકી, આપા ! અને બેડકી એટલે તો બેય વાતે ઘી કેળાં ! સમજ્યા કે ?”

“ઘી કેળાં વળી કેમ ?” બહારવટીયાએ એ ગામનાં ઘટાદાર આંબા, લીંબડા અને લીલુડી વાડીઓ ઉપર બરાબર વૈશાખના તાપમાં પોતાની નજરને ચરતી મેલી દઈને લોભાતે દિલે પૂછ્યું.

“આપા જોગીદાસ ! એક તો આવું હાંડા જેવું રધિભર્યું ગામ : એને તેમાંય વળી આપણા દુશ્મનના કટંબનું ગામ.”

“કોનું ?”

"મહારાજ વજેસંગની દીકરીનું. આંહીના ગઢમાં કાંઈ ભાવનગરના સોના રૂપાનો પાર નહિ હોય. મહારાજ પણ જાણશે કે દાયજો ભલો દીધો'તો !”

“બોલો મા આપા ! ઈ વાત ન બને !” બહારવટીયાએ ગામ અને સીમ ઉપરથી પોતાની નજર સંકેલીને બરછી પાછી પગ ઉપર ઠેરવી લીધી. મ્હેાંમાંથી “રામ” શબ્દ પડતો સંભળાયો.

“કાં જોગીદાસ ખુમાણ ! ઘડીકમાં વળી શું સાંભર્યું ! આમાં કયું નીમ આડે આવ્યું ?"

“કાંઈ નહિ; વજેસંગજીની કુંવરીનાં પેાટલાં હું જોગીદાસ કેમ કરીને ચુંથી શકું ? મારે વેર તો છે વજેસંગની સાથે, દીકરી સાથે નહિ. ઈ તો મારી યે દીકરી કહેવાય.”

“અરે જોગીદાસ, પણ પૂરી વાત તો સાંભળો !”

"શું છે?"

“આ વજેસંગની રાણીનાં કુંવરી નથી, પણ આ તો એની એક રખાતની દીકરી: કોઈ રાખતું નહોતું, તે મહારાજે