પૃષ્ઠ:Sorathi Baharvatiya-2.pdf/૭૦

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
જોગીદાસ ખુમાણ
૫૧
 

ધ્રાંગધ્રાના એક ભૂખલ્યા ભાયાતને આંહી તેડાવી, પરણાવી, આ ગામ દઈને આંહીજ રાખેલ છે."

“તો ય ઈ તો મહારાજની જ દીકરી ઠરી. પેટ ભલે રખાતનું રહ્યું, પણ લોહી મહારાજનું. હવે મને વધુ પાપમાં નાખો મા ભાઈ ! અને બોડકીને ભાંગવાની વાત મેલી દ્યો.”

એટલું બોલીને એ લોભામણા રૂપાળા ગામની સીમને જલદી વટાવી જવા માટે જોગીદાસે ઘેાડીને વેગ વધાર્યો. પણ ઓચીંતું જાણે કાંઈક યાદ આવ્યું હોય તેમ એણે પોતાની બંકી ગરદન ફેરવી, પાછળના અસવારોને પ્રશ્ન કર્યો.

“ભાઈ ! કોઈના ખડીયામાં કાંઈ સોનું રૂપું - થોડું ઘણું યે નીકળે એમ છે ?”

“કેમ આપા ! અતરિયાળ કેમ જરૂર પડી ?”

“મહારાજનાં કુંવરીને કાંઈક કાપડું દઈ મેલીએ. દીકરી જો જાણશે કે જોગીદાસ કાકો પાદર થઈને પરબારા ગયા તો બહુ ધોખો કરશે !”

લોકવાયકા બેાલે છે કે બહારવટીયાએ સીમના કોઈ ખેડુતની સાથે મહારાજ વજેસંગની રખાતની પુત્રી માટે કાપડાનું થોડું સોનું મોકલ્યું હતું.

૧૩

સંધ્યાની રૂંઝ્યો રડી ગઈ છે. માણસ હાથતાળી દઈને જાય, એવી ગટાટોપ ઝાડી વચ્ચે ગિરની રાવલ નામની ઉંડી નદીનાં આછાં છીછરાં પાણી ચુપચાપ ચાલ્યાં જાય છે. નદીની બન્ને બાજુ ઝાડી, અને ઝાડીની ઉપર આભે ટેકો દેતી હોય તેવી ઉંચી ભેખડો : એ ભેખડો ઉપર પણ કોઈ કોઈ ઠેકાણે ડુંગરા ઉભા થયેલા : નદીના વેકરામાં સાવઝ દીપડાનાં પગલાં પડેલાં : બેય બાજુની બોડ્યોમાંથી નીકળીને 'જનાવર' જાણે હમણાં જ